હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ દરમિયાન મુસ્લિમ દેશ યમનની રાજધાની સનામાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં મચેલી ભાગદોડને કારણે લગભગ 85 લોકોના મોતની ખબર છે. આ ઘટના 19 એપ્રિલે એક ચેરિટી ઈવેન્ટ દરમિયાન બની હતી. રમઝાનના અવસર પર કેટલાક વેપારીઓએ ગરીબ લોકોને આર્થિક મદદ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં પૈસાની વહેંચણી થઇ રહી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. એક અધિકારીને ટાંકીને ધ ગાર્ડિયને તેના અહેવાલમાં લખ્યું છે કે નાસભાગમાં ઓછામાં ઓછા 85 લોકોના મોત થયા છે અને 300થી વધારે લોકો ઘાયલ થયા છે. રાજધાની સનાની ઓલ્ડ સિટીમાં વેપારીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોએ હાજરી આપી હતી.
મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ કાર્યક્રમ સ્થાનિક અધિકારીઓ સાથે યોગ્ય સંકલન વિના યોજવામાં આવ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ભીડને નિયંત્રિત કરવા માટે, હથિયારબંધ હૂતિયોએ હવામાં ગોળીબાર કર્યો, જેના કારણે ઇલેક્ટ્રિક વાયરથી વિસ્ફોટ થયો અને લોકો વચ્ચે ગભરાટ ફેલાયો. જેના કારણે લોકો દોડવા લાગ્યા અને નાસભાગ મચી ગઇ.
આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા હતા તેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. કાર્યક્રમના બે આયોજકોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે યમનની રાજધાનીમાં હૂતી વિદ્રોહીઓનું નિયંત્રણ છે. તેણે અહીંથી સરકારને હટાવીને રાજધાની કબજે કરી હતી. 1980ના દાયકામાં હૂતી બળવાખોરોનો ઉદય જોવા મળ્યો. હૂતી બળવાખોરો ઉત્તર યમનમાં સુન્ની ઇસ્લામની સલાફી વિચારધારાના વિસ્તરણનો વિરોધ કરે છે.
આજતકના અહેવાલ મુજબ જ્યારે યમનમાં સુન્ની નેતા અબ્દુલ્લા સાલેહની સરકાર હતી ત્યારે શિયાઓ પર અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવી હતી. 2000ના દાયકામાં, હૂતીઓએ તેમની પોતાની સેના બનાવી. 2014માં, હૂતી બળવાખોરોએ અબેદ રબ્બો મન્સૂર હાદીને સત્તા પરથી હટાવી દીધા અને રાજધાની સના પર નિયંત્રણ મેળવ્યું.