સુરત : બીઆરટીએસ રૂટમાં મહિલાનું બસની ટક્કર લાગવાના કારણે થયું મોત, જીવ બચાવવા 108ની ટીમે કર્યા પ્રયત્ન

રાજ્યભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ત્યારે હાલ સુરતમાંથી પણ એક અકસ્માતની દુઃખદ ઘટના સમયે આવી છે જેમાં એક મહિલાનું બીઆરટીએસ બસની અડફેટે કરુણ મોત નીપજ્યું છે, આ અકસ્માતમાં મહિલાનું મોત થવાના કારણે તેમની 9 વર્ષની ફૂલ જેવી દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરામાં રહેતા અને ઇન્સ્યોરન્સની ખાનગી ઓફિસમાં કામ કરતા રેખાબેનનું પાંડેસરા ડી-માર્ટ નજીક BRTS રૂટમાં બીઆરટીએસ બસની અડફેટે મોત નીપજ્યું હતું. રેખાબેનને ઈજાગ્રસ્ત હાલતમાં જ ખાનગી હોસ્પિટલમાંથી 108 દ્વારા વેન્ટિલેટર ઉપર સિવિલ લવાયા હતા. જ્યાં ટ્રોમાં સેન્ટર બહાર રેખાબેન માટે ઓક્સિજનવાળું સ્ટ્રેચર ન મળતા 5-7 મિનિટ સુધી 108ની EMTએ CPR આપી રેખાબેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર રેખાબેન મૂળ યુપીના રહેવાસી છે, તેમના લગ્ન રામ ધીરજ શિવ સરણ શુકલાના પુત્ર વિવેક સાથે 11 વર્ષ પહેલા થયા હતા. રેખાબેન ઘર નજીક એક ઈન્સ્યોરન્સની ઓફિસમાં કામ કરતા હતા. ગત રોજ સવારે તે નોકરી પર જવા માટે નીકળ્યા હતા ત્યારે જ BRTS રૂટમાં બસે અડફેટે લેતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે રેખાબેનને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ 108નો પાયલોટ ટ્રોમા સેન્ટરમાં ઓક્સિજનવાળું સ્ટ્રેચર લેવા ગયો હતો. ત્યાં સુધી એટલે કે 5-7 મિનિટ સુધી રેખાબેનને 108ની EMTએ CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટ્રેચર ન મળતા પાયલોટ દોડીને બહાર આવ્યો હતો ત્યારબાદ રેખાબેનને 108ના સ્ટ્રેચર પર જ ઓક્સિજન કે વેન્ટિલેટર વગર ટ્રોમાના ICUમાં લઇ જવાયા હતા. જેના બાદ થોડી જ ક્ષણોમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Niraj Patel