ગુજરાતમાંથી ઘણીવાર પરણિતાઓ પર અત્યાચારના કિસ્સા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી એક પરણિતા કે જેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા તેણે પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારથી તેના લગ્ન થયા છે ત્યારથી જ સાસુ અવાર નવાર અલગ અલગ બાબતોમાં બોલાચાલી કરી ઝઘડો કરતી હતી. જો પરણિતા કંઇ જવાબ આપે તો તેનો પતિ તેને માર મારતો અને બચકા ભરતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
હાલમાં જ ઉત્તરાયણના દિવસે સાસુએ પુત્રવધુને રસોઇ બનાવવાનું કહ્યુ તો તેણે સાસુ પાસે મદદ માંગી અને સાસુની મનાઇ બાદ જ્યારે તે ન્હાવા ગઇ ત્યારે મોડુ થાય એટલે ગિઝર બંધ કરી દીધુ. ત્યારે ન્હાવામાં મોડુ થતાં પતિ અને સસરાએ ઝઘડો કરીને લાફા મારીને ધક્કો માર્યો અને ચોકડીમાં પાડી દીધી. ત્યારે આ મામલે પરણિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, 22 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2022માં થયા હતા, લગ્ન બાદથી જ સાસરિયાએ તેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. જો કે, લગ્ન બાદ સાસુની ફરિયાદ હતી કે તેઓ જાન લઇને આવ્યા ત્યારે પિયરવાળાએ બદામ કે જ્યુસ આપ્યુ ન હતુ. આ બાબતે સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થઇ હતી અને આમાંને આમાં પરણિતાને તેના પતિએ બે લાફા ઝીંકી દીધા હતા.
એક દિવસ જ્યારે તે કામઅર્થે દિયરનું એક્ટિવા લઇ ગઇ ત્યારે પરત આવતા દિયરે ચાવીનું કિચન તુટેલુ હોવાની ફરિયાદ કરી અને આ બાબતે પણ સાસરિયાઓએ ઝઘડો કર્યો અને પતિ તથા સસરાએ ઝાપટો મારી. પતિએ તો પાણીનો નળ ચાલુ કેમ નથી કર્યો એ બાબતે બબાલ કરી ગાળો બોલી બચકા પણ ભર્યા હતા અને તેને પિયર મૂકી ગયો હતો. આ ઉપરાંત સાસુ દ્વારા તહેવારમાં ચાંદીના વાસણો, મોંઘી સાડી અને કવરો લઇ આવવા દબાણ કરી દહેજ બાબતે પણ ત્રાસ ગુજાર્યો હતો.