ગુજરાતમાંથી કેટલીકવાર બાળકોના અપહરણના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી આવો એક મામલો સામે આવ્યો. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં કતારગામ વિસ્તારમાં રહેતું પરિવાર બાળકનો જન્મ થવાનો હોવાને કારણે પરણિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યું, પણ પરણિતા બાળકને જન્મ આપે એ દરમિયાન તેમનું ચાર વર્ષનું બાળક હોસ્પિટલની લોબીમાં રમતું હતું ત્યારે તેનું કોઈ મહિલાએ અપહરણ કરી લીધુ.
આ મામલો સામે આવ્યા બાદ અને પરિવારે પોલીસને જાણ કર્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યું હતું અને પરિવારને પરત કર્યુ હતુ. એક દંપતિ કે જેમને લગ્નના 20 વર્ષ બાદ પણ સંતાન નહોતુ થતુ તેમણે બાળકનું અપહરણ કર્યુ હતુ અને ઘરે લઈ જઇ તેનું સ્વાગત કર્યું અને પૂજા પણ કરી, આ સાથે તેઓ તેનું ભરણપોષણ પણ કરવાના હતા. જો કે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવીની મદદથી આ બાળકને તેના પરિવારને સોંપ્યું.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના કતારગામમાં આવેલ જનતા નગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની એવા શિવ શંકર ગોડાની પત્ની ગર્ભવતી હતી, તેને પ્રસુતિની પીડા ઉપડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવી. આ દરમિયાન પરણિતા બાળકને જન્મ આપે એ પહેલા જ તેનો ચાર વર્ષનો પુત્ર હોસ્પિટલની લોબીમાં રમતો હતો અને એક અજાણી મહિલાએ તેનું અપહરણ કરી લીધુ.
આ ઘટનાની જાણ પરિવારને થયા બાદ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા અને પુત્રના અપહરણથી વિગત આપી. તે બાદ પોલિસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી અને હોસ્પિટલના સીસીટીવી ચેક કર્યા ત્યારે માલુમ પડ્યું કે હોસ્પિટલમાં બાળક રમી રહ્યો હતો ત્યારે એક અજાણી મહિલા બાળકને રમાડવાના બહાને ત્યાંથી લઈ ગઇ. જો કે પોલીસે આટલી કડી મળતા આગળના સીસીટીવી કેમેરા ચેક કરવાના શરૂ કર્યા અને આ મહિલા બાળકને લઈ હોસ્પિટલની બહાર નીકળી એક રીક્ષામાં બેસતી જોવા મળી.
પોલીસે રિક્ષાવાળાની ઓળખ કરી પહેલા તેને ઝડપ્યો અને પછી તેણે જ્યાં આ મહિલાને ત્યાં છોડી હતી ત્યાં તપાસ કરી. સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઈ માતા ચોક જવાના રસ્તા પર આવેલા વિજયનગર સોસાયટી તરફ આ મહિલા બાળકને લઈને જતી જોવા મળતા પોલીસે વિજયનગરની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી. જે બાદ આખરે કલાકોની મહેનત પછી પોલીસ આ મહિલાના ઘર સુધી પહોચી.
આ દરમિયાન મહિલાનો મોબાઇલ ચેક કરતા તેમાં બાળકનું સ્વાગત કરતા ફોટા જોવા મળ્યા અને કંકુ પગલા દ્વારા તેનો ઘરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ. જો કે બાળકના પગમાં પણ કંકુના નિશાન મળી આવતા પોલીસે સૌપ્રથમ તો બાળકને છોડાવ્યુ અને વધુ પૂછપરછ શરૂ કરી. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યુ કે સીમા પ્રજાપતિના લગ્ન શંકર પ્રજાપતિ સાથે 20 વર્ષ પહેલાં થયા હતા,
લગ્નજીવન દરમિયાન તેમને સંતાન ન થતા તેમણે આ બાળકનું અપહરણ કર્યું હતું અને બાળકને પોતાના ઘરે લાવી તેની દેખરેખ કરવા સાથે તેને ઉછેર પણ કરવાના હતા.જો કે હાલ તો પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને દંપત્તિની ધરપકડ કરી અને બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યો. એક બાળકના જન્મની ખુશી અને પહેલુ બાળક ગુમ થયા બાદ પાછુ મળતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.