શિયાળાની કડકડતી ઠંડીમાં આવશે વરસાદનો ચમકારો, અંબાલાલ પટેલે આગામી દિવસોમાં માવઠાની કરી આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં થશે વરસાદ ?

હાલ ઠંડીનો માહોલ સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની સીઝન શરૂ થઇ ગઈ છે. ત્યારે આ બધા વચ્ચે જ હવામાન વિદ અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે. આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની પણ અસર થવાની સંભાવના રહેશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના લીધે દક્ષિણ મહારાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે. તા.16 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હવાના દબાણ વધવાની શક્યતા રહે અને ભારતના કેટલાક ભાગોમાં તા.17 થી 20માં ઘણા ભાગોમાં માવઠું થવાની પણ શક્યતા રહે.

પંચમહાલના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં હળવું માવઠું તો કેટલાક ભાગોમાં અષાઢી માહોલ જેવી શક્યતા રહે. કમોસમી વરસાદ વીજળીના કડાકા સાથે થવાની શક્યતા રહે. એવી પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગ્રહો પ્રચંડ નાડીમાં હોવાથી તા.18, 19, 20, 21 ઉપરાંત ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પણ વિશિષ્ટ સ્થિતિના લીધે બંગાળના ઉપસાગરમાં થતા હવાના દબાણ ગુજરાતને પ્રભાવિત કરી શકે. આ વખતે ડિસેમ્બરની શરૂઆતથી સખ્ત ઠંડીને વેગ મળે અને 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેના કારણે ઠંડીનું મોજું ફરી વળે.

Niraj Patel