ફરી કોઈ આયશા જીવન ટૂંકાવે તેની રાહ જોવાની છે ? કે સમાજ અને એક દીકરીના માતા-પિતાએ જાગૃત થવાની જરૂર છે ?

અમદાવાદની આયશાએ જીવન ટૂંકાવી નાખ્યું અને તેનો પડઘો આખા દેશની અંદર પડી રહ્યો છે, ઘણા બધા લોકો આયશાને ન્યાય મળે તેની માંગણીઓ કરી રહ્યા છે. પરંતુ આ બધું કેટલા દિવસ ? આયશાને ન્યાય તો મળી જશે, પરંતુ આયશાની જેમ પીડાઈ રહેલી હજારો લાખો દીકરીઓનું શું ?

વાત થોડી કડવી છે, પરંતુ હકીકત છે. આયશાએ જીવન ટૂંકાવ્યું તે ખુબ જ દુઃખદ છે. પરંતુ પોતાનું જીવન ટૂંકાવતા પહેલા તેને એક વીડિયો બનાવ્યો અને તેના કારણે જ તેને ન્યાય પણ મળશે, પરંતુ એવી ઘણી બહેન દીકરીઓ છે જે વીડિયો નથી બનાવતી અને જીવન ટૂંકાવી દે છે, ના તેમના ન્યાય માટે કોઈ લડે છે, ના તેમને સાચો ન્યાય મળે છે.

પરંતુ મારુ કહેવું એ છે કે શું કામ કોઈ બહેન દીકરીને આવું પગલું ભરવું પડે ? કોઈ બહેન દીકરીના આવા પગલાં ભરવા પાછળ જવાબદાર કોણ ? આપણે પોતે જ ને ? આ સમાજ, સાસરી પક્ષમ, પિયર પક્ષ બધાની આંખો ત્યારે જ ખુલે છે જયારે કોઈ દીકરી આવું પગલું ભરે છે. પરંતુ શું આપણે તેને રોકી ના શકીએ ?

દરેક દીકરીના માતા-પિતાએ પણ એ વાત વિચારવી જોઈએ કે પોતાની દીકરીને શું તકલીફ થઇ રહી છે, કોઈપણ દીકરી જ્યારે પોતાના સાસરેથી પાછી આવે છે ત્યારે તેનું યોગ્ય કારણ તપાસવું જોઈએ. અને તે પોતાના ઘરમાં ભાર બનીને રહેશે એવો વિચાર કરવાના બદલે તેને સાથ આપવો જોઈએ. તેને સમાજ અને આવી ચઢેલી પરિસ્થિત સામે લડવા માટે તૈયાર કરવી જોઈએ.

સાચું કહું તો આપણા સમાજની અંદર ઘણા માતા પિતા મેં એવા પણ જોયા છે જે દીકરીનું સાંભળવાના બદલે સમાધાનમાં માને છે. દીકરીને જો પાછી સાસરે જવાની ઈચ્છા ના હોય તો પણ સમાજના આગેવાનો અને ચાર આંખોની શરમને લઈને દીકરીને પાછી મોકલી દેતા હોય છે, અને પરિણામ એક આયશાના રૂપમાં આવે છે.

ઘણીવાર દીકરીએ માતા પિતાની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હોય અને પછીથી તેને સાસરે તકલીફો થતી હોય છે ત્યારે પણ તે પોતાના પિતાના ઘરે નથી આવી શકતી, અને આવે તો પણ તેના માતા-પિતા, ભાઈ ભાભી એમ કહેને જ મહેણાં મારે છે કે “તે તારી જાતે કર્યું હતું ?” પરંતુ હું કહું છું કે ભૂલ કોનાથી નથી થતી ? અને ભૂલને ભૂલવામાં મઝા છે, તેને સજા ના બનવા દેશો. આવા સમયે પણ તમારા સંતાનની સાથે ઊભા રહો. તેના માટે બીજું કઈ ના કરી શકો તો તેને એટલી હિંમત તો જરૂર આપો કે તે આયશાની જેમ કોઈ ખોટું પગલું ના ભરી લે.

આપણે ત્યાં એવું કહેવાય છે કે “દીકરી તો પારકી થાપણ કહેવાય”. પરંતુ એવું તો નથી જ કે આ પારકી થાપણને તમે ગમે તેવા નર્કમાં પણ ધકેલી શકો ? જયારે કોઈ દીકરી પોતાના સાસરેથી પિયરમાં આવી હોય અને તેને મન બનાવી લીધું છે કે તેને પાછું નથી જ જવું તો તેને પાછી મોકલવાની બળજબરી ક્યારેય ના કરો. સમાજ અને લોકોને તો વાતો કરવા માટે ફક્ત એક મુદ્દાની જરૂર હોય છે. સમય વીતવા દો, એ પણ ભૂલી જશે.

જો તમે રતમારી બહેન દીકરીનો પક્ષ લેશો, તેને સાથ આપશો તો તેના મનમાં પણ વધારે હિંમત પેદા થશે, સાથે જ તે જૂનું બધું ભુલાવી આગળ વધવા માંગશે અને ખાસ તેના મનમાં એવા કોઈ ખરાબ વિચાર નહિ આવે કે મારે મારુ જીવન ટૂંકાવવું છે.

ઘણી બહેન દીકરીઓ આવા સમયે ડિપ્રેશનમાં ચાલી જાય છે અને તેમાં પણ જો પરિવારનો સાથ મળે તો તે માનસિક રીતે પણ તૂટી પડે છે. પરંતુ આવા સમયે તેને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખો. તે જો કોઈ નાની મોટી નોકરી કરવા ઈચ્છે છે તો તેને કરવા દો, પૈસા માટે નહિ બસ તેનું મગજ થોડું ફ્રેશ રહે તેના માટે. કોઈપણ કામ તેને કરવા માટે આપો જેના કારણે તેનું મગજ ડાયવર્ટ થાય અને તેના મનમાં ચાલી રહેલા ખરાબ વિચારો દૂર થાય.

આ તો થઇ દીકરીના પિયરની વાત, પરંતુ જો તેની સાસરી વાળા પોતાની વહુને દીકરીનો દરજ્જો આપી દે તો ક્યારેય કોઈ સમસ્યા સર્જાય જ નહીં. પરંતુ એ સમય આવતા તો હજુ કેટલા વર્ષો નીકળશે તેની કોઈ કલ્પના પણ ના કરી શકે.

મારે તો દીકરીના સાસરી પક્ષને કહેવાનું એટલું જ કે તમારા ઘરમાં આવેલી વહુ કોઈના ઘરની દીકરી છે અને દીકરીને સાચવવાની જવાબદારી લગ્ન બાદ તમારી બની જાય છે. તેને ત્રાસ આપવો, દહેજ માટે પ્રતાડિત કરવી. શારીરિક અને માનસિક અત્યાચારો કરવા એમાં તમારી મહાનતા કે તમારો વટ જરા પણ નથી. એ જગ્યાએ ફક્ત એટલું વિચારજો કે તમારી પોતાની દીકરીને તેના સાસરે જો આવો ત્રાસ મળશે તો તમારા ઉપર શું વીતશે ?

બીજું કહેવાનું મન એ થાય છે કે આપણા દેશમાં છૂટાછેડાને કેમ હજુ ખરાબ નજરે જોવામાં આવે છે ? કોઈ છૂટાછેડા થેયેલી સ્ત્રી કે પુરુષ હોય તો સમાજનો તેને જોવાનો નજરીયો જ બદલાઈ જાય છે. વાંક કોઈનો પણ હોય, છૂટાછેડા કોઈ એવી ગંભીર બાબત નથી જેને લઈને આટલો હોબાળો ઉભો કરવાની જરૂર છે.

અને આ વાત દરેક દીકરી અને દીકરાના માતા-પિતાએ પણ સ્વીકારવી જોઈએ, કે છૂટાછેડા થવાનો મતલબ એ નથી કે હવે તેમનું જીવન બરબાદ થઇ ગયું. કદાચ તેનાથી વધુ સારું જીવન પણ તેનું બની શકે છે. બસ આવા સમયે દરેક બહેન દીકરી કે દીકરાને પરિવારના સાથની જરૂર હોય છે.

આપણા દેશને આપણા સમાજને પોતાની માનસિકતા ખરેખર બદલવાની જરૂર છે. કોઈ બહેન દીકરીને આમ આપણી આંખો સામે દુનિયામાંથી વિદાય લેતા ક્યાં સુધી તમે જોઈ શકશો. ફક્ત બહેન-દીકરીઓ જ નહિ, પરીક્ષામાં નિષ્ફળ જનારા બાળકો, અંગત જીવનમાં દુઃખી થયેલા અથવા તો આર્થિક સંકળામણમાં ફસાઈ ગયેલા પુરુષોને પણ પરિવારના સાથની જરૂર છે. જો પરિવાર સાથે હશે તો દરેક પરિસ્થિતિમાંથી ચોક્કસ બહાર નીકળી શકાશે.

– નીરવ પટેલ “શ્યામ “

Niraj Patel