પ્રયાગરાજ મહાકુંભમાં વિસનગરના કડા ગામના મહેશભાઈ પટેલનું મોત, પરિવારજનોમાં શોકની લાગણી
મૌની અમાસે મહાકુંભમાં સ્નાન કરવા ગયેલા વિસનગરના કડા ગામના મહેશ પટેલનું મોત, મૃતદેહ વતન લવાશે
28 જાન્યુઆરીએ રાત્રે 1.30 વાગ્યે મહાકુંભના સંગમ કિનારે થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 60 જેટલા ઘાયલ છે. મૃતકોમાં એક ગુજરાતી પણ સામેલ છે. મૂળ મહેસાણાના વિસનગરના કડા ગામના વતની અને હાલમાં સુરતમાં સ્થાયી થયેલ મહેશભાઈ સોમાભાઈ પટેલનું મહાકુંભમાં નાસભાગમાં મૃત્યુ થયુ છે.
તેમના મૃતદેહને ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામે લવાઇ રહ્યો છે. 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે મહાકુંભમાં અમૃત સ્નાન માટે ગયા હતા. જો કે બુધવારના રોજ તેમનું મોત નીપજ્યું. મહેશભાઈનું મોત નાસભાગમાં થયુ છે કે એટેક આવવાથી એ અંગે ચોક્કસ માહિતી સામે નથી આવી. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર વહીવટી તંત્રના સૂત્રોએ તેમના સંબંધી પાસેથી મળેલી જાણકારી પ્રમાણે તેમને એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું.
એવી માહિતી છે કે મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે. તેમના નિધનના સમાચાર બાદ પરિવાર શોકમાં છે. જો કે તંત્ર હજુ મહેશ પટેલના મોતનું કારણ શું છે એની પુષ્ટિ કરી રહ્યું છે. જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.