પ્રયાગરાજમાં 29 જાન્યુઆરીએ સવારે 2 વાગ્યે સંગમ નદીના કિનારે ભાગદોડ મચી ગઈ, જેમાં 30 લોકોના મોત થયાના અહેવાલ છે. પરંતુ આ નાસભાગના થોડા કલાકો પછી બીજી નાસભાગ પણ થઈ. જેનું સ્થળ સંગમ કિનારેથી બે કિલોમીટર દૂર હતું. ભાગદોડના સ્થળે વેરવિખેર કપડાં અને જૂતાના ઢગલા કોઈ મોટા અકસ્માત તરફ ઈશારો કરી રહ્યા છે. પરંતુ મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. જો કે, ભાગદોડ દરમિયાન હાજર લોકોએ દાવો કર્યો છે કે તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
લલ્લનટોપના રિપોર્ટમાં આ ભાગદોડની ભયાનકતાનો ખુલાસો થયો છે. એક ફૂટેજમાં જોઇ શકાય છે કે ટ્રેક્ટરની મદદથી સ્થળ પરથી કપડાં, જૂતા અને બોટલોના ઢગલા દૂર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભાગદોડ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકો સાથે વાત પણ કરી. તેમણે કહ્યું કે તેમણે ભીડમાં લોકોને કચડાતા જોયા અને પછી ત્યાંથી મૃતદેહો મળી આવ્યા. આ ઘટના ઝુંસીમાં બની હતી. જે સંગમ કિનારેથી માત્ર બે કિલોમીટર દૂર છે. ગંગા નદીના ઉત્તરી કિનારે આવેલા ઝુંસી દ્વારા પણ સંગમ પર પહોંચી શકાય છે.
પહેલી નાસભાગ રાત્રે 2 વાગ્યાની આસપાસ થઈ. ઝુંસીમાં સવારે 6 વાગ્યાની આસપાસ ભાગદોડ મચી. ઝુંસીના હલ્દીરામ કિયોસ્કના નેહા ઓઝાએ લલ્લનટોપને જણાવ્યું કે અહીં મૃતદેહો પડેલા હતા ને કોઈ તેમના વિશે પૂછતું નહોતું. સવારે ગૂંગળામણથી મૃત્યુ પામેલા લોકોને બપોરે 1.30 વાગ્યા સુધી લઈ જવામાં આવ્યા. ભાગદોડના ચાર કલાક પછી એક મહિલા કોન્સ્ટેબલ આવી. પોલીસ લોકોને વીડિયો બનાવતા રોકી રહી હતી. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, હલ્દીરામ કિયોસ્કની અંદર ચાર મૃતદેહો પડ્યા હતા જેમને બાદમાં લઈ જવામાં આવ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે ફક્ત આ સ્થળે જ 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બાળકોને કચડાઇ રહ્યા હતા પણ અહીં કોઈ મદદ માટે હાજર નહોતું. ઘણું બધું છુપાવવામાં આવી રહ્યું છે. જનતાને સત્ય જાણવાનો અધિકાર છે. પ્રયાગરાજના રહેવાસીએ કહ્યું કે ભીડ એટલી હતી કે તે સંપૂર્ણપણે બેકાબુ હતી. લોકોએ બેરિકેડ તોડવાનું શરૂ કર્યું ને આગળ વધવા લાગ્યા. ઘણા ભક્તો પહેલેથી જ આસપાસ સૂઈ રહ્યા હતા, રસ્તાઓ જામ થઈ ગયા હતા અને ચાલવા માટે પણ જગ્યા નહોતી. અંધાધૂંધી વચ્ચે ઘણા લોકોના લેપટોપ અને આઇફોન ચોરાઈ ગયા.
ઝુંસીની ઘટના દરમિયાન સ્થળ પર હાજર અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે ભાગદોડ થઈ ત્યારે કોઈ મીડિયા કર્મચારી ત્યાં હાજર નહોતો. તેથી, આ ઘટનાની માહિતી લોકો સુધી પહોંચી શકી નહીં. લોકોને ફક્ત સંગમ કિનારે થયેલી નાસભાગ વિશે જ ખબર પડી. હલ્દીરામ કિયોસ્કના નેહા ઓઝાએ જણાવ્યું કે તેમના કેશ કાઉન્ટરમાંથી 1 લાખ 80 હજાર રૂપિયા લૂંટાઈ ગયા. કપડાં અને જૂતાના કાટમાળમાંથી વૃદ્ધોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યાં ટેંટ સામે બે લોકોના મોત થયા.
ઝુંસીમાં થયેલી ભાગદોડના લગભગ 18 કલાક પછી 29 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યે લલ્લનટોપની ટીમ ઘટનાસ્થળે પહોંચી પણ તેમ છતાં તે વિનાશના અવશેષોને કેમેરામાં રેકોર્ડ કરવામાં સફળ રહ્યા. ઝુંસીમાં ઘટનાસ્થળે કાટમાળ સાફ કરી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ 29 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાથી કામ કરી રહ્યા હતા. એનો અર્થ એ થયો કે ઘટનાસ્થળને સાફ કરવામાં છ કલાકથી વધુ સમય લાગ્યો. આના પરથી અકસ્માતની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.