હાલ દેશભરમાં મહાકુંભનો ફીવર લોકોના માથે ચડી રહ્યો છે, જો કે મહાકુંભમાંથી દુખદ ઘટનાઓ પણ સામે આવી રહી છે. હાલમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCL કોન્ટ્રેક્ટરને શ્વાસ ચડતા હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે તેમનું મોત નિપજ્યુ હતુ. (તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
પ્રાપ્ત જાણકારી અનુસાર, 53 વર્ષીય કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભ ગયા હતા, જ્યાં અચાનક શ્વાસ ચડતાં રાયબરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નીપજ્યું. આ પછી તેમના મૃતદેહને ગત રોજ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો અને અંતિમવિધિ કરવામાં આવ્યા.
તેમની અંતિમયાત્રામાં સમાજના અગ્રણીઓ તેમજ PGVCLના સાથીકર્મચારીઓ પણ જોડાયા હતા. ત્યારે ઘરના મોભીના મોતને પગલે કલ્પાંત છવાયો છે. PGVCLમાં કોન્ટ્રેક્ટ ચલાવતા 53 વર્ષીય કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ રાજકોટમાં બજરંગવાડી મેઇન રોડ પર પ્રતીક ટેનામેન્ટમાં રહેતા હતા. તેઓ પત્ની લતાબેન, મિત્ર PGVCLના નિવૃત્ત કર્મચારી લક્ષ્મણગિરિ ગોસાઈ અને તેમની પત્ની શોભનાબેન સાથે મહાકુંભ ગયાં હતાં.
કિરીટસિંહ રાઠોડને વહેલી સવારે ચક્કર આવતાં તેઓ ઢળી પડ્યા અને આ પછી તેમને સારવાર માટે સેક્ટર 20માં ઊભા કરવામાં આવેલા હોસ્પિટલ યુનિટમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા. જો કે તબિયત વધુ લથડતાં રાયબરેલી સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો.