વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસ ! વિસ્મય શાહ 5 વર્ષની સજા પૂરી કર્યા બાદ જેલમાંથી છૂટ્યો

વિસ્મય શાહ જેલમાંથી છૂટ્યોઃ BMW થી ફંગોળી નાખ્યા હતા બે યુવાનોને, બોલો ફક્ત 5 જ વર્ષમાં બહાર આવી ગયો, જાણો સમગ્ર મેટર

ગુજરાતમાં અત્યારે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરનો અકસ્માત ચર્ચામાં છે, જેમાં તથ્ય પટેલે જેગુઆર કારને 142.5ની સ્પીડમાં દોડાવી 10 લોકોની જીંદગી છીનવી લીધી અને 10 પરિવારોની ખુશીઓ ઉજાડી દીધી. ત્યારે આવો જ એક બનાવ વર્ષ 2013માં બન્યો હતો અને તે સમયે પણ તેની ખૂબ ચર્ચા થઇ હતી. વિસ્મય શાહ કે જેણે BMW પૂર ઝડપે હંકારી હતી અને બે યુવાનોને ફંગોળ્યા હતા. ત્યારે હવે વિસ્મય શાહ 5 વર્ષની સજા પુરી થયા બાદ જેલમાંથી મુક્ત થઇ ગયો છે. વિસ્મય શાહને હિટ એન્ડ રન કેસમાં પાંચ વર્ષની સજા ફટકારાઈ હતી. વિસ્મય શાહ કે જે ધનાઢ્ય પરિવારમાંથી આવે છે અને તેણે 2013માં અમદાવાદના જજિસ બંગલો વિસ્તારમાં બે યુવાનોને BMWથી ફંગોળ્યા હતા અને તે બાદ તે રાતોરાત જ ગાયબ થઈ ગયો હતો.

કોર્ટે કરી રૂપિયા ખર્ચી ન્યાય ના ખરીદી શકાય એવી ટકોર
આ કેસમાં તેના ખાસ મિત્રો પણ ફરી ગયા હતા. કોર્ટે તેને પાંચ વર્ષની સજા કરી તે પહેલા તે 13 મહિના જેલમાં રહ્યો હતો. જો કે તે પછી મૃતક રાહુલ અને શિવમના પરિવારોએ 3 કરોડ રૂપિયામાં સમાધાન કર્યું હતું અને હાઈકોર્ટમાં અપીલ કરી, જેનો મૃતકના પરિવારોએ વિરોધ કર્યો નહોતો. જો કે, હાઈકોર્ટે વિસ્મયને રાહત આપવાનો ઈન્કાર કર્યો અને તેની 5 વર્ષની સજાને યોગ્ય ઠેરવી. વિસ્મય હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયો પરંતુ ત્યાં પણ કોર્ટે તેને રૂપિયા ખર્ચી ન્યાય ના ખરીદી શકાય તેવી ટકોર સાથે રાહત ન આપી અને સજાને યોગ્ય ઠેરવી. ત્યારે વિસ્મય 2020માં પોતાની બાકી સજા પુરી કરવા સાબરમતી જેલમાં સરેન્ડર થયો અને હવે તેની સજા પૂરી થતા તે હાલમાં જ બહાર આવ્યો છે, પણ હવે અમદાવાદનો ધનાઢ્ય પરિવારનો વધુ એક નબીરો તથ્ય જેલમાં છે.

વિસ્મયે બે યુવકોને પૂરપાટ ઝડપે BMW ચલાવી ફંગોળ્યા
25 ફેબ્રુઆરી 2013…વિસ્મયની BMWની સ્પીડ 100થી વધારે હતી અને જજીસ બંગલો રોડ પર મોડી રાત્રે શિવમ દવે અને રાહુલ પટેલ નામના બે યુવાનોને તેણે BMWથી ફંગોળી નાખ્યા. શિવમનું તો ઘટનાસ્થળ પર જ મોત થયું પણ રાહુલનું બીજા દિવસે મોત થયું હતું. તે સમયે ઘણા સવાલો ઉછ્યા હતા કે શું વિસ્મય નશામાં હતો ? તેની સાથે કારમાં કોઈ બીજું હતું ? પણ અકસ્માત સર્જ્યા બાદ વિસ્મય ફરાર થઈ ગયો હતો અને બે દિવસ પછી વસ્ત્રાપુર પોલીસ સામે તેણે સરેન્ડર કર્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જો કે, વિસ્મય બે દિવસ પછી પોલીસ સામે હાજર થતા તે નશામાં હતો કે નહિ તેનો સચોટ કોયડો ન ઉકેલાઈ શક્યો. વિસ્મયના પિતા ડો. અમિત શાહ પણ ઘણા વગદાર હતા.

મૃતકોના પરિવાર સાથે 3 કરોડમાં કર્યુ હતુ વિસ્મયે સમાધાન
જોકે પોલીસે આ કેસમાં ખોટી માહિતી આપવા અને આરોપીને બચાવવાના પ્રયાસમાં વિસ્મયના પિતા સામે પણ કેસ નોંધ્યો હતો. વિસ્મયના સકંજામાં આવ્યા બાદ તો તેના પિતાની પણ પરેશાનીઓ વધી. અમિત શાહ પણ રાતોરાત ગાયબ થઈ ગયા અને નેપાળથી દુબઈ ભાગી ગયા. મુંબઈમાં તે સમયે અમિત શાહ સામે પણ કરોડોની છેતરપીંડીનો મામલો સામે આવ્યો હતો. જો કે તે વિસ્મય કાર ચલાવતો હતો કે નહિ તે સાબિત કરવું ઘણું મુશ્કેલ હતું. કારણ કે મૃતકોના બે મિત્રો આ કેસમાં સાક્ષી હતા. જોકે કોર્ટમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી નાખ્યું હતું જ્યારે મિતેષ શાહ નામના એક સાક્ષીએ આખરી સમય સુધી પોતાનું નિવેદન ફેરવ્યું નહિ. વિસ્મયે જજીસ બંગલો ક્રોસ રોડ નજીક મિતેષની કારને પણ ટક્કર મારી હતી. અકસ્માત પછી બે લોકો સાથે જપાજપી કરી હતી.

2020માં બાકીની સજા પૂરી કરવા કર્યુ સરન્ડર
આ કેસના સાક્ષીમાં દિનેશ ચૌધરી અને લલિત ગુપ્તા પણ હતા જેમણે વિસ્મયને કોર્ટમાં ઓળખવાથી ઈન્કાર કર્યો હતો. જો કે મિતેષે છેક સુધી પોતાના નિવેદન પર અડગ રહ્યો હતો. વિસ્મયને હિટ એન્ડ રન કેસમાં બચાવવા માટે ઘણા હવાતિયા મારવામાં આવ્યા પણ તેની સામે પોલીસે એટલો મજબૂત કેસ તૈયાર કર્યો કે વિસ્મયને જામીન પર છૂટવા માટે 13 મહિના સુધી રાહ જોવી પડી. નીચલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી તો વિસ્મયને જામીન તો ન જ મળ્યા અને સુપ્રીમ કોર્ટે પણ તેને પહેલા પ્રયાસમાં જામીન પર નહોતો છોડ્યો. જો કે, વિસ્મયને ક્યાંયથી પણ રાહત ન મળતા તેણે 2020માં પોતાની બાકી બચેલી સજા પૂરી કરવા માટે સરેન્ડર કર્યું અને હવે તે સજા આખરે જૂલાઈ 2023માં પૂરી થઈ ગઇ છે.

Shah Jina