10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ ગયો જેલમાં તો 2 લોકોને ફૂટબોલની જેમ હવામાં ફંગોળનારો વિસ્મય આવ્યો જેલની બહાર

2013ના BMW હિટ એન્ડ રનનો ગુનેગાર વિસ્મય શાહ પાંચ વર્ષની સજા પૂરી કરી જેલમાંથી છૂટ્યો, BMW થી ફંગોળી નાખ્યા હતા બે યુવાનોને

Vismay Shah released from jail : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે અને મોટાભાગની ઘટના પૈસાદાર બાપના નબીરાઓ દ્વારા સર્જવામાં આવતી હોવાનું સામે આવે છે. ત્યારે ગત બુધવારે ઇસ્કોન બ્રિજ પર થયેલી ઘટનાથી આજે પણ લોકોને કળ નથી વળી, આ ઘટનમાં 10 લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે કાર ચાલક તથ્ય પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે, ત્યારે એક તરફ તથ્ય જેલમાં ગયો ત્યારે બીજી તરફ આવી જ એક ઘટનાનો આરોપી વિસ્મય શાહ જેલમાંથી છૂટીને બહાર આવ્યો છે.

10 વર્ષ પહેલા થયો હતો અકસ્માત :

વિસ્મય શાહે આ અકસ્માત આજથી 10 વર્ષ પહેલા એટલે કે 2013માં સર્જ્યો હતો. જેમાં તેને પોતાની લક્ઝુરિયસ BMW કારથી બે યુવકોને ફૂટબોલની જેમ હવામાં ફંગોળી દીધા હતા, જેમાં બંને યુવકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં વિસ્મય શાહને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, આ સજા પૂર્ણ કરીને હાલ તે જેલમાંથી મુક્ત થયો છે. વિસ્મય પણ તથ્ય પટેલની જેમ ધનાઢ્ય પરિવારમાંથી આવે છે. વિસ્મયના કેસને BMW હિટ એન્ડ રન કેસ તરીકે ઓળખવામાં આવ્યો હતો.

સ્કૂટર પર જતા 2 યુવકોના લીધા હતા જીવ :

વાત કરીએ આ ઘટના વિશે તો વિસ્મય શાહે વર્ષ 2013માં જજીસ બંગલો વિસ્તારમાં બે યુવાનોને ફંગોળી નાખ્યા હતા અને તેના બાદ તે રાતોરાત ફરાર થઇ ગયો હતો. બંને યુવકો 25 વર્ષીય શિવમ દુબે અને 21 વર્ષીય રાહુલ પટેલ પોતાના સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે જ વિસ્મયે પોતાની કારથી આ લોકોને ટક્કર મારી હતી. જેમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા.  આ કેસમાં મૃતકોના મિત્રો પણ ફરી ગયા હોવાનું સામે આવ્યું હતું. ઘટના બે દિવસ બાદ વિસ્મયની ધરપકડ કરવામાં આવી હતી, ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા અને સમગ્ર દેશમાં ચકચારી મચી ગઈ હતી.

3 કરોડમાં મૃતકના પરિવારજનોએ કર્યું હતું સમાધાન :

વિસ્મયને 5 વર્ષની જેલની સજા થઇ એ પહેલા જ તે 13 મહિના સુધી જેલમાં રહ્યો હતો. જેના બાદ મૃતક રાહુલ અને શિવમના પરિવારોએ 3 કરોડ રૂપિયામાં સમાધાન પણ કર્યું હતું, વિસ્મયના પરિવારજનોએ 5 વર્ષની સજા સામે હાઇકોર્ટમાં પણ અપીલ કરી હતી, પરંતુ ત્યારે મૃતકોના પરિવારજનોએ પણ વિરોધ કર્યો નહોતો. પરંતુ હાઇકોર્ટે વિસ્મયને રાહત આપી નહોતી અને 5 વર્ષની સજા યોગ્ય ઠેરવી હતી. જેના બાદ તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પરંતુ ત્યાં પણ રૂપિયા ખર્ચીને ન્યાય ના ખરીદી શકાય એવી ટકોર સાથે રાહત આપી નહોતી અને વિસ્મયને જેલમાં જવું પડ્યું હતું. જેના બાદ હાલ તે જેલમાંથી બહાર આવ્યો છે.

Niraj Patel