ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંત માટે પ્રાર્થનાઓનો દોર થયો શરૂ, કિંગ કોહલીએ પણ કરી ટ્વીટ, જુઓ શું કહ્યું ?
ગઈકાલે ક્રિકેટ જગતમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી હતી. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને વિકેટ કીપર ઋષભ પંતને એક ગમખ્વાર અકસ્માત નડ્યો, જેમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માતની ખબર સામે આવતા જ સોશિયલ મીડિયામાં પણ હડકંપ મચી ગયો હતો અને તેના ચાહકોમાં પણ આઘાત લાગ્યો હતો. તેના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરવા લાગ્યા તો હવે ઋષભ પંત માટે ક્રિકેટરોએ પણ પ્રાર્થના કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ પંતની ઈજા અંગે સત્તાવાર અપડેટ આપી છે. એમ પણ કહ્યું કે બીસીસીઆઈ એ સુનિશ્ચિત કરશે કે તેની સારવારમાં કોઈ ઢીલાશ ન રહે. ઋષભ પંત તેની માતાને સરપ્રાઈઝ કરવા માટે ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ઝોકું આવતા તેની કાર ડિવાઈડર સાથે અથડાઈને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.
પંતના અકસ્માત બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ટ્વિટ કર્યું છે. વિરાટે ટ્વિટર પર લખ્યું, ‘ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાઓ. હું તમારી પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના કરું છું.” પંત તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસમાંથી પરત ફર્યો છે, જ્યાં ભારતે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. પંતે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Get well soon @RishabhPant17. Praying for your recovery. 🙏🏻
— Virat Kohli (@imVkohli) December 30, 2022
પંત સાથેના આ ભયાનક અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું હતું. એક ભ્રામક મેસેજ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો કે રોડ અકસ્માત બાદ ક્રિકેટર ઋષભ પંતનો તમામ સામાન અજાણ્યા શખ્સોએ લૂંટી લીધો હતો. હરિદ્વાર પોલીસે હવે આ હકીકતોને નકારી કાઢી છે. SSP અજય સિંહે સ્પષ્ટતા કરી કે કેટલીક ચેનલો અને પોર્ટલ પર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋષભનો કેટલોક સામાન લૂંટાયો છે જ્યારે આ નિવેદન બિલકુલ ખોટું છે.