IPLના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ પોતાની દીકરી માટે સમય કાઢી રહ્યો છે વિરાટ કોહલી, તસવીરે જીત્યા ચાહકોના દિલ, જુઓ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકો ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે. વિરાટ કોહલીની રમત ઉપરાંત ચાહકો તેના અંગત જીવન પર પણ સતત નજર રાખતા હોય છે અને વિરાટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે.
ત્યારે હાલ IPlનો માહોલ ચાલી રહ્યો છે અને વિરાટ કોહલી પણ IPLના શિડ્યુલમાં વ્યસ્ત છે. મેદાન પર પણ તે ખુબ જ સારી રમત બતાવી રહ્યો છે, ત્યારે આ બધા વચ્ચે પણ વિરાટ પોતાના પરિવાર માટે સમય કાઢતો જોવા મળી રહ્યો છે. તેને પોતાની દીકરી સાથે પણ કેટલોક ક્વોલિટી ટાઈમ પસાર કર્યો.
વિરાટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દીકરી વામિકા સાથેની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં વિરાટે કેપ્શનમાં હાર્ટ ઈમોજી બનાવ્યું છે. વિરાટ તેની નાની પરી વામિકા સાથે પૂલ સેશનનો આનંદ લેતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અનુષ્કાને ઘણા વર્ષો સુધી ડેટ કર્યા બાદ વિરાટે વર્ષ 2017માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ તેમની દીકરી વામિકાનો જન્મ થયો.
વિરાટે તસવીર શેર કર્યા બાદ તેના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી – રાજા અને રાજકુમારી. ત્યાં અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે આ સમયે વામિકાને ખબર નથી કે તેના પિતા વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન છે. તમને જણાવી દઈએ કે દંપતીની દીકરી વામિકા તાજેતરમાં 11 જાન્યુઆરીએ બે વર્ષની થઈ છે. તે દરમિયાન ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી હતી અને લખ્યું હતું “મારી ધડકન.”
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સૌથી પ્રિય સેલિબ્રિટી કપલમાંથી એક છે. આ દંપતીએ વર્ષ 2021માં દીકરીનું સ્વાગત કર્યું હતું, જેના વિશે વિરાટે તાજેતરમાં જ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેણે અને અનુષ્કાએ કોવિડ 19નો સામનો કર્યો હતો અને કેવી રીતે અભિનેત્રીએ ઘણું બલિદાન આપ્યું હતું.