ના સીટ બ્લેટ, ના માસ્ક અને ચાલુ ગાડીએ ડાન્સ કરતા પોલીસકર્મીઓએ જ નિયમોના ઉડાવ્યા ધજાગરા, વીડિયો વાયરલ થતા જ મળી આ સજા

આપણે જયારે આપણું વાહન લઈને રસ્તા ઉપર નીકળ્યા હોઈએ ત્યારે બાઇકમાં હેલ્મેટ અને ગાડીમાં સીટબેલ્ટ અવશ્ય લગાવવા પડે છે. આ ઉપરાંત હવે કોરોનાને લઈને માસ્ક પણ પહેરવું ફરજીયાત બની ગયું છે અને જો આમ ના કરીએ અને કોઈ પોલીસકર્મીની નજરમાં આવી જઈએ તો આપણને દંડ પણ ફટકારવામાં આવે છે.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો જેમાં પોલીસકર્મીઓએ જ નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે ચાર પોલીસકર્મીઓ ગાડીમાં ક્યાંક જઈ રહ્યા છે અને એ દરમિયાન જ એક મારવાડી ગીત પણ ગાડીમાં વાગી રહ્યું છે.

ગીત વાગતા વાગતા ચાલુ ગાડીએ જ ચારેય પોલીસકર્મીઓ ડાન્સ પણ કરી રહ્યા છે, ગાડી ચલાવી રહેલા પોલીસ કર્મીએ સીટ બેલ્ટ પણ બાંધ્યો નથી અને ચારેયમાંથી એક પણ પોલીસકર્મીએ માસ્ક પણ પહેર્યું નથી. ચારેય પોલીસકર્મીઓ ગણવેશમાં જોવા મળી રહ્યા છે.  આ દરમિયાન તેમને જે વીડિયો બનાવ્યો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. જેના કારણે તેમને હવે મુસબિતમાંથી પસાર થવું પડી રહ્યું છે.

વીડિયોમાં જોવા મળી રહેલા પોલીસકર્મીઓમાંથી ત્રણ પોલીસકર્મીઓ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું. આ ચાર પેકી એક પોલીસ કર્મી પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લામા઼ ફરજ બજાવતા હોવાનું પણ જણાવાયું હતું. આ મામલામાં એસપી દ્વારા નિયમોનો ભંગ કરી વર્દીમાં જૂમી રહેલા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બાબતે પૂર્વ કચ્છ એસપી મયુર પાટિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “સોશિયલ મીડીયા પર ચાર જેટલા પોલીસ કર્મી કારમાં યુનિફોર્મમાં હોવા છતાં ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોની અંદર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા તેમજ સીટબેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ફરકજ મોકૂફ કરાયા છે.

Niraj Patel