જાણો કોણ છે આ યોગ ગુરુ સ્વામી શિવાનંદ જેમની સામે પીએમ મોદી પણ નતમસ્તક થઇ ગયા, પદ્મશ્રી લેતા સમયનો વીડિયો થયો વાયરલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે વિવિધ વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા. આ અવસર પર એક વ્યક્તિની ઘણી જ ચર્ચા થઈ, જેની સામે ખુદ પીએમ મોદીએ પણ ઝૂકી ગયા. કાશીના યોગ ગુરુ સ્વામી શિવાનંદને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે 125 વર્ષીય સ્વામી શિવાનંદ સન્માન લેવા પહોંચ્યા ત્યારે દરબાર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. પીએમ મોદીએ પણ તેમને નમન કરીને અભિવાદન કર્યું હતું.

સ્વામી શિવાનંદને યોગના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે 125 વર્ષની ઉંમરે સ્વામી શિવાનંદ પોતે પદ્મશ્રી એવોર્ડ લેવા દિલ્હી પહોંચ્યા હતા. યોગ અને સંયમિત દિનચર્યાની મદદથી તેમણે આ ઉંમરે પણ પોતાને સ્વસ્થ રાખ્યા. યોગ પ્રત્યેનું તેમનું સમર્પણ દેશના કરોડો લોકોને સારા સ્વાસ્થ્ય માટે પ્રેરિત કરે છે.

સ્વામી શિવાનંદ કાશીના રહેવાસી છે. તેમને યોગ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમનો જન્મ 8 ઓગસ્ટ 1896 ના રોજ સિલેટ જિલ્લાના હરિપુર ગામમાં થયો હતો, જે હવે બાંગ્લાદેશમાં છે. સ્વામીજી કહે છે કે યોગ, પ્રાણાયામ અને ઘરેલું ઉપચાર એ સ્વસ્થ રહેવાની ચાવી છે. સ્વામી શિવાનંદ દરરોજ સવારે 3 વાગ્યે ઉઠે છે અને પછી યોગાસન અને શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરે છે.

સ્વામી શિવાનંદ બંગાળથી કાશી પહોંચ્યા અને ગુરુ ઓમકારાનંદ પાસેથી શિક્ષણ લીધા પછી, તેમણે યોગ અને ધ્યાનમાં નિપુણતા પ્રાપ્ત કરી. ભારતની આઝાદી સમયે સ્વામી શિવાનંદની ઉંમર લગભગ 50 વર્ષની હતી. એટલે કે તેમણે આઝાદીની લડાઈ પણ જોઈ અને આઝાદી પછી ભારતની પ્રગતિના સાક્ષી બન્યા.

એવું કહેવાય છે કે તેમણે ખૂબ જ નાની ઉંમરે તેમના માતા-પિતા અને બહેનને ગુમાવ્યા હતા. યોગની શિક્ષા પ્રાપ્ત કર્યા પછી, તેમના ગુરુની સૂચના પર, તેમણે 34 વર્ષ સુધી વિશ્વના ઘણા દેશોની મુલાકાત લીધી. તેમણે લંડન, ઓસ્ટ્રેલિયા, અન્ય યુરોપિયન દેશો અને રશિયા જેવા દેશોનો પ્રવાસ કર્યો છે. તે ચમક-દમકની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને સાદગીપૂર્ણ જીવન જીવવામાં ઊંડો વિશ્વાસ ધરાવે છે. સ્વામી શિવાનંદ આજે પણ બાફેલો ખોરાક ખાય છે.

Niraj Patel