આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “વર પધરાઓ સાવધાન”માં શું છે ખાસ ? શું કન્યાની વિદાયની વર્ષોથી ચાલી આવતી પરંપરાને બદલવામાં સફળ રહેશે આ ફિલ્મ ? જુઓ રીવ્યુ

તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયાની ફિલ્મ “વર પધરાઓ સાવધાન” ફિલ્મનો સચોટ રીવ્યુ, જાણો શું છે ફિલ્મની કહાની અને બાકી ફિલ્મો કરતા અલગ શું છે

Var Padharavo Saavdhan Movie Review : આજના સમયમાં ગુજરાતી ફિલ્મો એક નવા વિષય અને નવી વાર્તાને લઈને આવી રહી છે, આ ફિલ્મોએ સમાજને બદલવાનું પણ એક મોટું કામ કર્યું છે. ત્યારે હાલ જ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થયા પહેલા જ ખુબ જ ચર્ચામાં હતી, જેનું નામ છે “વર પધરાઓ સાવધાન”..આ ફિલ્મને લઈને લોકોમાં એક અલગ ઉત્સાહ અને રોમાંચ હતો, કારણે અત્યાર સુધી લોકોએ કન્યા વિદાય જોઈ હતી પરંતુ એવું પહેલીવાર થવાનું હતું જયારે કોઈ વરની વિદાય થાય.

ત્યારે જે કોઈએ વિચાર્યું નહોતું એ વાતને “વર પધરાઓ સાવધાન” ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું. હવે આ ફિલ્મ આજથી થિયેટરમાં રિલીઝ થઇ ગઈ છે. ગઈકાલે આ ફિલ્મનું પ્રીમિયર અમદાવાદના થલતેજમાં આવેલા PVR સિનેમામાં યોજાયું હતું, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉપરાંત ડાયરેક્ટર, સિંગર અને ઘણા બધા મહેમાનો ઉપસ્થિતિ રહ્યા અને ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે લોકોએ સેલ્ફી પણ લીધી.

જ્યારે 2020ની “કેમ છો ?”ફિલ્મના ડાયરેક્ટર વિપુલ શર્માએ તેમની લેટેસ્ટ ફિલ્મ *વર પધરાઓ સાવધાન* એનાઉન્સ કરી ત્યારે લાગ્યું કે તેમની પાછલી ફિલ્મની જેમ આ પણ એક ઘર કંકાસ પર આધારિત હશે પરંતુ આ ફિલ્મમાં તેમણે એક અલગ જ સામાજિક મુદ્દાને હળવાશ સાથે બહુ સરળતથી પીરસી દીધું !

ફિલ્મની કહાની:

ફિલ્મની કહાની બાકી ફિલ્મો કરતા ઘણી અલગ છે. જેમાં અભિનેતા તુષાર સાધુ અને અભિનેત્રી કિંજલ રાજપ્રિયાના જીવનની એક વાત છે, તુષાર સાધુ સિદ્ધાંતના પાત્રમાં છે, જે એક ખુબ જ પ્રખ્યાત ટીવી એન્કર છે, જયારે કિંજલ રાજપ્રિયા આનલના રોલમાં છે. જે એક NGO સાથે જોડાયેલી છે. સિદ્ધાંતને આનલ સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ જાય છે અને તે આનલને લગ્ન માટે પ્રપોઝ કરે છે.

સિદ્ધાંત આધુનિક યુગનો વિચારક છે તેને સમાજમાં બદલાવ લાવવા ગમે છે અને તેના કારણે જ તેની લોકપ્રિયતા ખુબ જ વધી જાય છે. તો આનલ પણ એક બિન્દાસ છોકરી છે અને તેને પણ ખોટું ચલાવી લેવાનું ગમતું નથી. તે ત્વરિત નિર્ણય લેતી હોય છે. એક તરફ જ્યાં સિદ્ધાંતનો પરિવાર ખુબ જ વૈભવી જીવન જીવનારો છે જયારે આનલનો પરિવાર મધ્યમવર્ગમાં જીવે છે.

આનલના પિતા સાવ કંજૂસ છે અને વાતે વાતે માથું ખાનારા પણ છે. છતાં તે તેમની દીકરીના દરેક નિર્ણયમાં સાથ આપે છે, ત્યારે જયારે આનલ અને સિદ્ધાંતની સગાઈ થતી હોય છે ત્યારે જ આનલ સિદ્ધાંત સામે ઘર જમાઈ બનવાનો પ્રસ્તાવ મૂકે છે, આવા ત્વરિત નિર્ણયના કારણે બંને પરિવાર વચ્ચે હોબાળો મચી જાય છે, પરંતુ સિદ્ધાંત તેના માટે રાજી થાય છે અને પછી બંને લગ્નના બંધનમાં બંધાય છે.

ધામધૂમથી લગ્ન કર્યા બાદ સિદ્ધાંત આનલના ઘરે જાય છે. હાઈફાઈ ઘરમાંથી આવેલા છોકરાને મિડલ ક્લાસ પરિવારમાં સેટ થવું કેવું મુશ્કેલ બની જાય છે પછી ફિલ્મમાં જે ટ્વિસ્ટ આવે છે અને સિદ્ધાંત કેવી રીતે એ પરિવારમાં બેલેન્સ જાળવે છે, આનલ સાથે તેના સંબંધો ક્યાં જઈને અટકે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મના પાત્રો: 

ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે તુષાર સાધુ (સિદ્ધાંત) અને મુખ્ય અભિનેત્રી તરીકે કિંજલ રાજપ્રિયા (આનલ) છે. આ ઉપરાંત સિદ્ધાંતના માતા પિતા તરીકે અભિનેતા પ્રશાંત બારોટ અને અભિનેત્રી જૈમિની ત્રિવેદી જોવા મળી રહ્યા છે. તો આનલના માતા પિતાના રોલમાં અભિનેતા રાગી જાની અને કામિની પંચાલ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત સિદ્ધાંતની બહેનના રોલમાં રિધમ રાજ્યગુરુ અને આનલના ભાઈના રોલમાં રિષભ ઠાકોરે અભિનય કર્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં જય પંડ્યા સિદ્ધાંતના મિત્રના રોલમાં જોવા મળી રહ્યા છે.

અભિનય:

વાત કરીએ અભિનયની તો દરેક કલાકારોએ ફિલ્મમાં ખુબ જ શાનદાર કામ કર્યું છે, ખાસ કરીને રાગી જાની અને જૈમિની ત્રિવેદીની કોમેડી લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દે છે. આખી ફિલ્મમાં હાસ્યની ભરમાર જોવા મળી રહી છે. તુષાર સાધુ અને જય પંડ્યા વચ્ચેના સંવાદો પણ ખડખડાટ હસાવે છે. તો પ્રશાંત બારોટે પણ એક બિઝનેસમેન પિતાનો રોલ ખુબ જ સારી રીતે કર્યો છે. કામિની પંચાલે પણ એક મા તરીકેના પાત્રને ખુબ જ સારી રીતે નિભાવ્યું છે. તો કિંજલ રાજપ્રિયની નીડરતા જોવી વધારે પસંદ આવે છે. સિદ્ધાંતમાં પણ નામ એવા જ ગુણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યા.

ફિલ્મનું સંગીત:

વર પધારો સાવધાન ફિલ્મમાં સંગીત આપ્યું છે રાહુલ પંચાલે. આ ફિલ્મનું સંગીત ફિલ્મનો પ્રાણ છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આ ફિલ્મમાં 2 ગીતો “ઘણી ખમ્મા” અને “તારી આસપાસ” છે, બંને ગીતો હૃદયને સ્પર્શી જાય તેવા છે. આ ફિલ્મના ગીતો મિલિન્દ ગઢવી દ્વારા લખવામાં આવ્યા છે.

ફિલ્મનું રોમાન્ટિક કહેવાતું ગીત “તારી આસપાસ” ગુજરાતના ખુબ જ લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી અને ખ્યાતનામ ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા ગાવામાં આવ્યું છે, જે સીધું કાનમાંથી હૃદયમાંથી ઉતરી જાય છે. તો “ઘણી ખમ્મા” ગીત આદિત્ય રાજ ગઢવીના પ્રચંડ અવાજમાં ગાવામાં આવ્યું છે જે સાંભળીને જ હૈયું ડોલવા લાગે.

લેખન, દિગ્દર્શન અને પ્રોડક્શન :

આ ફિલ્મની વાર્તા લખી છે વિપુલ શર્માએ અને સાથે જ ફિલ્મનું ડાયરેક્શન પણ તેમને જ કર્યું છે. જેના કારણે આ ફિલ્મ વધુ નિખરી છે, કારણ કે લેખક જ જો દિગ્દર્શન કરતા હોય તો ફિલ્મ પોતાના શબ્દો અનુસાર ઢાળી શકે છે. આ કામ વિપુલ શર્માએ ખુબ જ ઉમદા રીતે કરી બતાવ્યું છે. આ ફિલ્મને શૈલેષ ધામેલીયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેમને થોડા સમય પહેલા જ તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયાની જોડી સાથે ફિલ્મ “કેમ છો ?” પણ બનાવી હતી.

ફિલ્મ કેમ જોવી ?

આ ફિલ્મ જોવા માટેનું  પહેલું કારણ એ છે કે બદલાવની વાત લઈને આવતી આ ફિલ્મ છે. જેમાં એક મહિલા સશક્તિકરણની વાતને ખુબ જ હળવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, જે આજની યુવા પેઢી સાથે સાથે તમામ વર્ગના લોકોને એક સુંદર મેસેજ પણ આપે છે. ફિલ્મમાં કોમેડીની પણ ભરમાર છે, જે તમને હળવાફૂલ બનાવી દેશે અને થિયેટરમાં તમને બેઠા બેઠા જ આસપાસના લોકોના ખડખડાટ હાસ્યથી એ અંદાજો આવી જશે. ગુજ્જુરોક્સ દ્વારા આ ફિલ્મને અમે 5માંથી 4 સ્ટાર આપીએ છીએ.

Niraj Patel