દિવાળીમાં ફરવાના શોખીનો સાવધાન : વડોદરાના પરિવારનો માળો વીંખાઈ ગયો, એકસાથે આટલા મોત

રાજયમાંથી ઘણા અકસ્માતોના કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણીવાર લોકો બેફામ વાહન હંકારતા હોય છે, જેને કારણે કેટલાક નિર્દોષ અને માસૂમ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલમાં જ ગઇ કાલે મોડી રાત્રે થયેલ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વલસાડના ભીલાડ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત પણ નિપજ્યા હતા. ત્યારે હવે વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જયારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે અને એક બાળકને સામાન્ય ઇજા પહોંચી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, દીવાળી વેકેશનને કારણે એક પરિવાર ફરવા જઇ રહ્યો હતો. વડોદરાથી જેસલમેર ફરવા જવા દરમિયાન કાર ગુરુવારના રોજ રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડોદરાના 3 લોકો મોતને ભેટ્યા છે જયારે એક બાળકને સામાન્ય ઇજા અને 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.

વડોદરાથી 55 વર્ષિય જયદ્રથભાઈ તેમની 52 વર્ષિય પત્ની આમિત્રી દેવી અને બે પુત્ર નીતિનભાઈ અને સત્યેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ શિવમ કુમારી અને પૌત્ર વિવાન સાથે કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન આગળ જઇ રહેલી ટ્રોલી કે જેમાં પથ્થર ભરેલા હતા તેની સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે જવાહર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સત્યેન્દ્રભાઈ અને શિવમકુમારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે 6 વર્ષના વિવાનને સામાન્ય ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ જોઇએ તો, ટ્રોલીનો ચાલક ઘટનાસ્થળથી ફરાર થઇ ગયો હતો.

Shah Jina