વડોદરા : પેટ્રોલ કાર જોતજોતામાં જ ભડકે બળી, કારના દરવાજા પણ લોક થઇ, અંદર બેઠેલો પરિવાર…

ગુજરાતમાં ઘણીવાર કારમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી તો ઇલેક્ટ્રિક વાહનોમાં પણ આગ લાગવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તમે ઘણીવાર જોયુ કે સાંભળ્યુ હશે કે CNG કારમાં આગ લાગી કે પછી ઇલેક્ટ્રિક કાર કે ટુ વ્હીલરમાં આગ લાગી, પરંતુ હાલ જે ઘટના સામે આવી રહી છે તેમાં CNG કાર કે કોઇ ઇલેક્ટ્રિક કારમાં આગ નથી લાગી પરંતુ પેટ્રોલ કારમાં આગ લાગતા તે ભડભડ સળગી ઉઠી હતી. આ ઘટના વડોદરાની છે.

શહેર નજીક વરણામા ખાતે રોડ પર દોડતી એક કાર અચનાક જ ભડકે બળી હતી. કારના દરવાજા પણ લોક થઇ ગયા હતા. જો કે, પરિવારનો જીવ માંડ બચ્યો હતો. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક કાયાવરોહણ ખાતે રહેતા દિપકભાઇ પટેલ તેમની પત્ની એકતાબેન, પુત્રી અરવી અને ભાણેજ મીત તથા ભાણી ઋત્વીબેન સાથે બલેનો કારમાં વડોદરા આવી રહ્યા હતા ત્યારે આ દરમિયાન બપોરે તેમની કારમાં પોર રોડ પર વરણામા પાસે KBJU કોલેજ સામે રોડ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં દિપકભાઇએ જણાવ્યુ કે, તેઓ ખરીદી માટે કાયાવરોહણથી વડોદરા પરિવાર સાથે બલેનો કારમાં નિકળ્યા ત્યારે વરણામા પાસે KBJU કોલેજ પાસે પહોંચ્યા અને આ દરમિયાન જ બોનેટના ભાગમાં અચાનક ધડાકો થયો અને કાર ભડભડ સળગવા લાગી. તેઓએ કહ્યુ કે, તેમની કાર માત્ર પેટ્રોલની છે અને તેમણે CNG નથી કરાવી. તેઓ આગળ કહે છે કારમાં આગ લાગતા દરવાજા પણ લોક થઇ ગયા હતા અને બ્રેક પણ વાગી રહી ન હતી.

તેઓએ જેમતેમ કરી પોતાનો જીવ બચાવ્યો. દિપકભાઇએ વધુમાં દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે, ડ્રાઇવર સાઇડનો દરવાજો ખુલ્યો નહીં. રનિંગ કારમાં આગ લાગી ત્યારે બ્રેક પણ નહોતી વાગી રહી અને હેન્ડબ્રેક પણ નહોતી લાગતી. કારમાં આગ લાગ્યાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને બૂઝાવી હતી. જો કે કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

Shah Jina