વડોદરાવાસીઓ માટે અને સમગ્ર ગુજરાત માટે ગઇકાલનો દિવસ એટલે કે 18 જાન્યુઆરી ઘણો ગોઝારો સાબિત થયો. ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો અને શિક્ષકો પિકનિક માટે હરણી તળાવ ગયા હતા. આ દરમિયાન કેપેસિટી કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાતા બોટ પલટી મારી ગઈ અને તેને કારણે દુર્ઘટનામાં 10થી વધુ બાળકો અને બે શિક્ષકો મોતને ભેટ્યા હતા. આજે સવારે એવી પણ ખબર હતી કે આ દુર્ઘટનામાં મૃત્યુ આંક 17 થયો છે.
ત્યારે આજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોની અંતિમવિધિ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા એક પરિવારની એક દીકરીનું મોત થયુ, જેનો જનાજો નીકળ્યો તો બીજી તરફ એક દીકરી હોસ્પિટલમાં દાખલ છે. આ દીકરીની માતા રડતા રડતા કહે છે કે શકીનાની બહેન સોફિયા હજુ પણ હોસ્પિટલમાં બૂમો પાડે છે કે તે તેની નાની બહેનને ન બચાવી શકી.
8 વર્ષીય નેન્સી અને 45 વર્ષીય શિક્ષિકા ફાલ્ગુની પટેલની અંતિમયાત્રા નીકળી હતી અને બંનેના અંતિમસંસ્કાર ખાસવાડી સ્મશાનમાં કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, કિશનવાડી વિસ્તારમાં વિશ્વા નિઝામા અને નેન્સી માછીને શ્રદ્ધાંજલિ પાઠવવા મોટાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. વિશ્વાની માતાએ આક્રંદ સાથે જણાવ્યું કે, મેં મારા દીકરાને જવા માટે ના પાડી હતી પણ તે જીદ કરીને ગયો ને ઘરે પાછો ના આવ્યો.
આ ઉપરાંત વિશ્વના પિતાએ રોષ ઠાલવતા રડતા રડતા કહ્યું કે, મારી માંગણી છે કે, આ ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પૈસા આપીને મારા છોકરાને કંઇ પાછો નથી અપાવવાના, સ્કૂલવાળા ગાર્ડનમાં લઈ જવાનું કહીને લઈ ગયા હતા અને તળાવમાં લઈ ગયા.
બોટમાં બેસાડ્યો ને તેના કારણે મારા દીકરાએ જીવ ગુમાવ્યો. મારે ન્યાય જોઈએ છે. જણાવી દઇએ કે, બાળકોની અંતિમયાત્રામાં પરિવાર અને સ્વજનોનાં ટોળે ટોળાં એકત્રિત થઇ ગયાં હતાં. વડોદરાવાસીઓ પણ નાનાં બાળકોની અંતિમયાત્રામાં હીબકે ચડ્યા હચા.