લત્તા મંગેશકરના નિધનના ત્રણ મહિના બાદ પણ દુઃખી છે તેમના બહેન, કહ્યું.. “લતા દીદી વગર ઘર સૂનું સૂનું લાગે છે, એમના રૂમમાં જવાની !”

ભારત રત્ન લતા મંગેશકરના નિધનને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે, તે છતાં પણ તેમના ચાહકો અને તેમના પરિવારજનો તેમની યાદોને હજુ પણ ભૂલી શક્યા નથી, તેમના ગીતો આજે પણ તેમની યાદ અપાવી જાય છે. ત્યારે તેમના પરિવારજનોને પણ તેમની યાદોને ભૂલાવવી સહેલી નથી. તેમના બહેન આજે પણ લતાજીને યાદ કરી રહ્યા છે.

હાલમાં જ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરના બહેન ઉષા મંગેશકરે લતા દીદીના જવાના દુઃખની વાત જણાવી હતી. તેમને કહ્યું હતું કે, “લતા દીદીના ગયાને 3 મહિના થઇ ગયા છે અને હજુ પણ હું આ વાતને માની શકતી નથી. દીદીના ચાલ્યા ગયા બાદ પણ મેં મારી જાતને એમ સમજાવી છે કે તે હજુ પણ અમારી સાથે જ છે. પરંતુ હવે ફક્ત હું એકલી જ બચી છું.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે “દીદીના આ દુનિયામાંથી ચાલ્યા ગયા બાદ અમારુ ઘર પ્રભૂકુંજ એકદમ શાંત થઇ ગયું છે. તે  જયારે અહીંયા હતા ત્યારે અમારા ઘરે લોકોનું આવવા જવાનું રહેતું હતું. તેમની સાથે તેમની દેખરેખ રાખવા માટે ઘરે કોઈ નર્સ અને કોઈ મદદ કરવા વાળા લોકો પણ રહેતા હતા, પરંતુ હવે ફક્ત હું એકલી જ બચી છું.”

જ્યારે ઉષાજીને પૂછવામાં આવ્યું કે તમે આ દુ:ખનો સામનો કેવી રીતે કરો છો, તો તેમણે કહ્યું, ‘હું આનો સામનો નથી કરી રહી. મને હજુ પણ એવું લાગે છે કે દીદી રૂમમાં છે. હું ત્યાં જતી નથી, હું હજી પણ તેમને તેમના ફોન પર કૉલ કરું છું. અમે તેમની તસવીર પર માળા ચઢાવવાની પણ ના પાડી દીધી છે. દીદી હજુ પણ અમારી સાથે છે. તેમનું અવસાન મારા માટે એવી ખોટ છે કે કોઈ સમજી શકતું નથી. હું સૌથી નાની છું અને એક માતા તરીકે તે મારા માટે એક બહેન કરતાં વધુ હતા. અમારો પાલતુ શ્વાન પણ તેમને ઘરમાં શોધતો રહે છે, તેથી અમે તેમને અમારા ભાઈ હૃદયનાથના ઘરે શિફ્ટ કર્યો છે.”

ઉષાજીએ આગળ કહ્યું કે, “અમને મંગેશકર પરિવારના લોકોનું ચિત્રકામ ગમે છે. લતા દીદી પણ ખૂબ જ પ્રખર ચિત્રકાર હતા. પણ દીદીના નિધનના સમાચારમાંથી બહાર નીકળવાનો મારા માટે આ એકમાત્ર રસ્તો છે. મારા પેઈન્ટિંગ્સ પુસ્તકમાં પ્રકાશિત થતા જોવાની તેમને ખૂબ ઈચ્છા હતી. સંગીતકાર મયુરેશ પાઈ દીદી પ્રત્યે ખૂબ જ સમર્પિત છે.તેમણે દીદીના નામ પર લતિકા ક્રિએશન્સ નામની એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન કંપની બનાવી છે. આ કંપની સ્ટ્રોક્સ ઓફ હાર્મની નામના ચિત્રો પ્રકાશિત અને સાચવી રહી છે. જેમાં મોટાભાગે મારા અને કેટલાક દીદીના ચિત્રો છે. પુસ્તકમાં મંગેશકર પરિવારના અન્ય સભ્યોના ચિત્રો પણ છે.”

Niraj Patel