10 વર્ષની ઉંમરમાં જ ઉડતા પ્લેનને જોઈને મમ્મીને કહ્યું હતું પાયલોટ બનીશ… આજે પોતાના પરિશ્રમ અને મહેનતથી દીકરી બની પાયલોટ.. જાણો સફળતાની કહાની
એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. ઘણા લોકો નાની ઉંમરમાં જ કેટલાક સપના જોતા હોય છે. પરંતુ ઉંમર થતા જ એ સપનાઓ પણ છૂટવા લાગે છે અને જીવન જે દિશામાં લઇ જાય એ દિશામાં જ જવું પડે છે. ત્યારે હાલ એક દીકરીએ પોતાના બાળપણના સપનાને સાકાર કરીને પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે.
આ સપનું સાકાર કર્યું છે જંબુસરના છેવાડાના વિસ્તારમાં આવેલા કીમોજ ગામમાં રહેતા દુબે પરિવારની દીકરી ઉર્વશીએ. જે જયારે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે તેને આકાશમાં ઉડતા પ્લેનને જોઈને તેની મમ્મીને કહ્યું હતું કે કે “મમ્મી હું એક દિવસ વિમાન ઉડાવીશ, પપ્પા મારે પણ પાયલોટ બનવું છે !”
બસ પછી ઉર્વશીએ પોતાના સપનાને ઉડાન આપવાનું નક્કી કર્યું અને લાગી ગઈ પાયલોટ બનવાની મહેનત. ઉર્વશી એક સામાન્ય પરિવારની દીકરી હતી. તેના પિતા ખેતી કરીને ગુજરાન ચલાવતા અને કાચા ઘરમાં આ પરિવાર રહેતો. પરંતુ ઉર્વશીના સપના પાક્કા હતા અને આજે તેને કોમર્શિયલ પાયલોટ બનીને પોતાના પિતા, ગામ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
એક સમય એવો પણ હતો કે ઉર્વશીના પાયલોટ બનવાના સપનાની કેટલાક લોકો મજાક પણ ઉડાવતા હતા. પરંતુ આ બધાથી ઉર્વશીને કોઈ ફર્ક ના પડ્યો અને તે પોતાની લગન અને મહેનત પ્રત્યે સજાગ રહી અને હવે તેના પાયલોટ બનવા પર જે લોકો તેનો મજાક ઉડાવતા હતા એજ લોકો આજે તેની વાહ વાહ પણ કરી રહ્યા છે.
ઉર્વશીના પિતા અશોકભાઈ દુબે એક સામાન્ય ખેડૂત છે અને તેની માતા નીલમબેન ગૃહિણી છે. દીકરીના સપનાને માતા પિતા પણ પૂર્ણ કરવા માંગતા હતા પરંતુ તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. ત્યારે ઉર્વશીના કાકા પપ્પુ દુબેએ પણ પોતાની ભત્રીજીના સપનાને સાકાર કરવા માટે હામી ભરી અને ભત્રીજીને પાયલોટ બનાવવાનો તમામ ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું.
પરંતુ મુશ્કેલીઓ જાણે કે ઉર્વશીનો સાથ ના છોડી રહી હોય તેમ કોરોના કાળમાં ઉર્વશીના કાકાનું પણ અવસાન થયું અને પછી આર્થિક મુશ્કેલીઓ આવી ગઈ. પરંતુ છતાં પણ ઉર્વશી અને તેના પરિવારે મહેનત કરવાની ચાલુ રાખી અને આખરે તેને સફળ થઈને સાબિત કરી આપ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો.
ઉર્વશીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની પ્રાથમિક શાળામાં જ લીધું હતું. જ્યાં તેને પોતાના શિક્ષકો અને સિનયરોને પાયલોટ બનવા માટે શું કરવું એમ પૂછીને ધોરણ 12 સાયન્સમાં મેથ્સ વિષય લઈને આગળ વધી. તે જાંબુસરથી વડોદરા પહસિ ઇન્દોર અને બાદમાં દિલ્હી થઈને છેલ્લે જમશેદપુરમાં ઉર્વશીને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મળતા જ તેનું સપનું સાકાર થયું.
ઉર્વશીને પાયલોટ બનવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો છે, ઓપન કેટેગરીમાં હોવાના કારણે કોઈ સ્કોલરશીપ ના મળી, બેન્કમાંથી કોઈ લોન પણ તેને ના મળી. આ ઉપરાંત આ ખેડૂત પરિવાર પાસે ગીરવે મુકવામાં માટે કઈ ના હોવાના અકરને એજ્યુકેશન લોન પણ મળતી નહોતી. તે છતાં તેને અથાગ મહેનત અને કેટલાક લોકોની મદદથી પાયલોટ બનવાનું સપનું પૂર્ણ કર્યું.