ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે, જે બાદ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 8થી11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અને પવન તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 18થી20 માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ સિવાય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે પણ આગાહી કરી છે, તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસ વાતાવરણ સુકું રહેશે અને માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર થઈ જાઓ. અલનીનોની અસરનાં કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી વધવાની શક્યતાઓ છે અને ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે.
માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. જણાવી દઇએ કે, માર્ચ મહિનાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જો કે, રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન પણ થયું હતું. ત્યારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની આગાહી બાદ ખેડૂતો ચિંતિત બન્યા છે.