યુક્રેનના રાષ્ટ્રપતિનો ભાવુક વીડિયો ! કહ્યુ- હું, મારી પત્ની અને મારા બાળકો દુશ્મનનો ટાર્ગેટ પરંતુ…

રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી દીધી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે તેમને આશા હતી કે અમેરિકા અને નાટો દેશો રશિયા સામેના યુદ્ધમાં તેમની મદદ કરશે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનમાં સૈનિકો મોકલવાનો ઇનકાર કર્યો હતો. ઝેલેન્સકીએ એક નિવેદન જારી કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. 25 ફેબ્રુઆરીએ સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે કેટલાક રશિયન બદમાશો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે, નાગરિકોએ કર્ફ્યુના નિયમોનું પાલન કરવું જોઈએ અને તેમના ઘરોમાં રહેવું જોઈએ.

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, ઝેલેન્સકીએ એમ પણ જણાવ્યું કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 લોકોના મોત થયા છે, જ્યારે 316 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. રોઇટર્સના સમાચાર અનુસાર, આ દરમિયાન ખૂબ જ ભાવુક થયેલા ઝેલેન્સકીએ કહ્યું, હાલમાં હું રાજધાની કિવમાં છું અને મારો પરિવાર પણ યુક્રેનમાં છે. હું રશિયાનો નંબર વન ટાર્ગેટ છું, મારો પરિવાર નંબર ટુ ટાર્ગેટ છે.

તેઓ યુક્રેનના વડા એટલે કે મને ખતમ કરીને આપણા દેશને રાજકીય રીતે નષ્ટ કરવા માંગે છે. પરંતુ હું અને મારો પરિવાર યુક્રેન છોડીશું નહીં. મેં કિવમાં રહેવાની પ્રતિજ્ઞા લીધી છે, કારણ કે મારા સૈનિકો રશિયન સૈન્ય સાથે યુદ્ધ લડી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકાનું નામ લીધા વિના કહ્યું, ‘બધા દેશોએ હવે અમને રશિયા સામેની લડાઈમાં એકલા છોડી દીધા છે… આજે સવારથી અમે એકલા અમારા દેશને બચાવી રહ્યા છીએ. વિશ્વના સૌથી શક્તિશાળી દેશો દૂરથી જોઈ રહ્યા છે. અમે રશિયા સામે યુદ્ધ લડવા માટે અમારા દળોને એક કરી રહ્યા છીએ.’

યુક્રેનના ગૃહપ્રધાને એક નિવેદન જારી કરીને કહ્યું કે શુક્રવાર 25 ફેબ્રુઆરીના રોજ રશિયા યુક્રેનની રાજધાની કિવને ઘેરી લેવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું, “રાજધાની કિવ માટે શુક્રવાર એક મહત્વપૂર્ણ દિવસ છે. આજ સવારથી કિવમાં સ્થિતિ વધુ વણસી ગઈ છે. અહીં સવારથી જ બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. આ વિસ્ફોટો ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલોથી કરવામાં આવ્યા હતા. સાથે જ યુક્રેનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ પણ રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

President @ZelenskyyUa says he is staying in Ukraine. He says he has intel that he is Russia’s top target, and his family is target number 2 for Putin pic.twitter.com/pQcBEpV1b4

તેમના કહેવા પ્રમાણે, 7 રશિયન એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર, 30 ટેન્ક નાશ પામી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ યુક્રેને તેના નાગરિકોને રશિયન સૈનિકો સાથે લડવા માટે હથિયાર પણ આપ્યા છે. કિવના સ્થાનિક મીડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર સામાન્ય લોકોને લગભગ 10 હજાર એસોલ્ટ રાઈફલ આપવામાં આવી છે.

Shah Jina