અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મહિલાઓ પર હુમલો: ગંદી ગાળો ભાંડી, થપ્પડ પણ મારી; હું તમને નફરત કરું છું, તમે લોકો ભારત પાછા જાઓ

ભારતમાં રહેનારા દરેક વ્યક્તિને ભારતીય હોવા પર ગર્વ હોય છે. પરંતુ વિદેશમાં જયારે જઈએ છીએ ત્યારે ઘણા લોકો ભારતીયોને ઉતારી પાડતા હોય છે, તેમને જાતીય ભેદના કારણે ઘણું બધું સંભળાવી પણ જાય છે, ત્યારે હાલ એવો જ એક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે, જેમાં ચાર ભારતીય મહિલાઓ ઉપર એક અમેરિકી મહિલાએ જાતીય ભેદનો હુમલો કર્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

પોલીસે અમેરિકાના ટેક્સાસ શહેરમાં એક મહિલાની ધરપકડ કરી છે જ્યાં ચાર ભારતીય-અમેરિકન મહિલાઓના જૂથ પર હુમલો કરવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેક્સિકન-અમેરિકન મહિલા ભારતીય મૂળની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરી રહી છે અને તેમને ભારત પાછા જવા માટે કહી રહી છે.

આરોપી મહિલાએ દુર્વ્યવહાર કરતી વખતે ‘આઈ હેટ યુ ઈન્ડિયન્સ, ગો બેક’ના નારા પણ લગાવ્યા હતા. આરોપી મહિલા ચર્ચા દરમિયાન આક્રમક બની હતી અને કહ્યું હતું કે હું જ્યાં જાઉં ત્યાં મારી મરજી, તમે ભારતીયો અહીં કેમ આવો છો? શા માટે ભારતના વખાણ કરો છો? જો ભારતમાં જીવન આટલું સારું હતું તો તમે અહીં કેમ આવ્યા? ‘આઈ હેટ યુ ઈન્ડિયન્સ, ગો બેક’ અને ત્યારપછી મહિલાએ માર મારવાનું શરૂ કર્યું.

આ ઘટના ગુરુવારે રાત્રે ટેક્સાસના ડલ્લાસમાં પાર્કિંગમાં બની હતી. મહિલાની હવે ધરપકડ કરવામાં આવી છે, તે વિડિયોમાં મેક્સીકન-અમેરિકન હોવાનું જણાવે છે અને તે ભારતીય અમેરિકન મહિલાઓના જૂથ સાથે છેડછાડ કરતી જોવા મળે છે. આરોપી મહિલાએ ગુસ્સામાં તમામ મહિલાઓને ‘આઈ હેટ યુ ઈન્ડિયન’ પણ કહ્યું હતુ. આરોપી મહિલાએ અપશબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે આ તમામ ભારતીયો અમેરિકા એટલા માટે આવે છે કારણ કે તેઓ સારું જીવન ઇચ્છે છે.

આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું કે આ ઘટના ટેક્સાસના ડલ્લાસમાં મારી માતા અને તેના ત્રણ મિત્રો ડિનર પર ગયા પછી બની હતી જ્યાં એક મેક્સિકન-અમેરિકન મહિલા આ તમામ ભારતીય મૂળની મહિલાઓ સાથે બાખડી પડી અને અપશબ્દોનો ઉપયોગ કરવા લાગી. મારી માતા મેક્સિકન-અમેરિકન મહિલા દ્વારા કરવામાં આવેલી દલીલોનો વિરોધ કરતી જોવા મળે છે અને જાતીય અપશબ્દોનો ઉપયોગ ન કરવાની વિનંતી કરે છે. મેક્સીકન-અમેરિકન મહિલા ગુસ્સામાં આવે છે અને ઝપાઝપી કરે છે.

Niraj Patel