ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો 11 પર, એકલા અમદાવાદમાં જ 6 કેસ

0

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ગુજરાતમાં પણ પગપેસારો કરી લીધો છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં અમદાવાદમાં 6 કેસ, વડોદરામાં 3 કેસ અને રાજકોટ-સુરતમાં 1-1 કેસ એમ મળીને કુલ 11 કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.

Image Source

જો કે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી પરત ફરેલા લોકોમાં નોંધાયા છે. દરમિયાનમાં રાજ્યમાં જુદા જુદા શહેરોમાં વિદેશયાત્રા કરીને પરત આવેલા શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે હવે તંત્ર પણ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય એ માટે યોગ્ય પગલાં લઇ રહ્યું છે. કોરોનાના શંકાસ્પદો અને પોઝિટિવ આવેલા વ્યક્તિના નજીકના લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

Image Source

વડોદરામાં કોરોનાના બે કેસ તો સામે આવ્યા જ હતા પણ હવે ફરીથી વડોદરામાં એક નવો કેસ નોંધાયો છે. વડોદરામાં શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝટિવ આવ્યો છે. હાલ આ વ્યક્તિને સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. ન્યૂયોર્ક, ફિનલેન્ડ, સ્પેન, સાઉદી અરેબિયા, શ્રીલંકા-લંડનથી આવેલા ભારતીય પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આજે અમદાવાદમાં 3 અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 11 થઇ ગઇ છે.

રાજ્યમાં કુલ 11 પોઝિટિવ કેસ

  • અમદાવાદ – 6
  • વડોદરા – 3
  • રાજકોટ – 1
  • સુરત – 1
Image Source

અમદાવાદમાં કોરોનાના 6 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું છે. અત્યંત ચેપી વાયરસને વધુ ફેલાતો અટકાવવા મ્યુનિ. કોર્પોરેશને કેટલાક મહત્ત્વના પગલાની જાહેરાત કરી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના કુલ 18 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. વિદેશીઓને કવોરંટાઈન કરાઈ રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે કરવાની સાથે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે.

Image Source

આ બધા જ જિલ્લાઓમાં ધાર્મિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગો, કે કોઈ પણ પ્રકારના સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 4 કરતા વધારે વ્યક્તિ એક સાથે એકઠાં નહીં થઈ શકે. સરકારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. 20 માર્ચથી 29 માર્ચ સુધી આ જાહેરનામું લાગુ પડશે. દરમિયાન સરકારે 29મી માર્ચ સુધી ગુજરાતની તમામ સરકારી કચેરીમાં જનસુવિધા કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પાનમસાલાના ગલ્લા પણ બંધ રહેશે.

કોરોના મામલે ચારેય શહેરો કે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે. જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં મંત્રીઓ સમીક્ષા બેઠક કરશે.

Image Source

દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો અત્યાર સુધીમાં 271 પર પહોંચી ચુક્યો છે. શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાના 50થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા. જયારે આખા વિશ્વમાં કુલ 276,474 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે અને 11,417 લોકો મૃત્યુ પામ્યા છે, જયારે 91,954 લોકો રિકવર પણ થઇ ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.