Teacher Passes Away Boat Accident : ગઈકાલે વડોદરાના હરણી લેકમાં બનેલી એક દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો. વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલના 82 જેટલા બાળકો અને શિક્ષકો એક પીકનીક માટે હરણી લેક પર આવ્યા હતા. ત્યારે આ લેકમાં બોટ સવારી કરતા જ બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી, જેના કારણે 12 બાળકો સમેત 2 શિક્ષકો મોતને ભેટ્યા, ત્યારે આ દરમિયાન મોતને ભેટેલા પરિવારોની કહાની પણ સામે આવી રહી છે, આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મહિલા શિક્ષિકાનું મોત :
ત્યારે આ 12 બાળકો સાથે જે શિક્ષિકાનું પણ નિધન થયું છે તેમના પરિવારમાં પણ આક્રન્દ છવાઈ ગયો છે. આ શિક્ષિકા છે ફાલ્ગુની પટેલ. જેમના નિધન બાદ તેમના બે બાળકો માતા વિનાના બની ગયા છે. ત્યારે તેમનો પરિવાર હવે ભીની આંખોએ ન્યાયની માંગણી કરી રહ્યો છે, પરિવારે જણાવ્યું કે “અમારા માટે આ સૌથી મોટા દુઃખની ઘડી છે. અમારે આ મામલે કઈ વધારે નથી કહેવું પરંતુ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.”
2 બાળકો બન્યા માતા વિહોણા :
ફાલ્ગુનીબેન પટેલની ઉંમર 45 વર્ષ હતી, તેમના ઘરે બે બાળકો, તેમના પતિ અને સાસુ સસરા છે, તેમના નિધન બાદ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પરિવારના સદસ્યોની આંખમાંથી આંસુઓ સુકાઈ નથી રહ્યા. આ દુર્ઘટના સંચાલકોની બેદરકારીના કારણે સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં બોટની કેપિસિટી 14 લોકોને બેસાડવાની હતી છતાં તેમાં 30 પણ વધારે બેસાડી દેવામાં આવ્યા હતા અને તેમાં પણ બોટમાં બેઠેલા વ્યક્તિઓને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા નહોતા.
માનવ બેદરકારીના કારણે બની ઘટના :
જેના કારણે બોટ પાણીમાં પલટી ગઈ અને 12 માસુમ બાળકો સાથે મહિલા શિક્ષિકા પણ મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત જે બોટ ચાલક પણ પ્રોફેશનલ બોટ ચાલક નહોતો, તે સેવ ઉસળની લારી ચલાવનાર હતો, અને બાકીના સમયમાં તે બોટ ચલાવતો હતો ત્યારે આટલી મોટી માનવ બેદરકારી કેવી રીતે થઇ તે પણ તપાસનો વિષય છે. હાલ પોલીસે આ મામલે 18 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે, ત્યારે આ ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ હાલ ફરાર થઇ ગયો છે.