ઇંગ્લેન્ડને તેમની ધરતી ઉપર ધૂળ ચાટતું કરી દીધા બાદ ભારતીય મહિલા ટીમની આ ખેલાડીના રૂમમાં થઇ ગઈ ચોરી, કરી તપાસની માંગ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની ODI શ્રેણીમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ આપ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં યજમાન ઈંગ્લેન્ડને 16 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. તો આ જીત બાદ ટીમ ઈન્ડિયાની સ્ટાર વિકેટ-કીપર બેટ્સમેન તાનિયા ભાટિયાએ સોમવારે દાવો કર્યો હતો કે લંડનની મેરિયોટ હોટલમાં મહિલા ટીમના રોકાણ દરમિયાન રોકડ, કાર્ડ અને જ્વેલરી સહિતનો તેમનો મહત્વનો સામાન લૂંટાઈ ગયો હતો.

તાનિયા ભાટિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તે મેરિયોટ હોટેલ લંડન મેડા વેલે રોકાઈ હતી ત્યારે તેની સાથે લૂંટપાટ કરવામાં આવી હતી. તાનિયાએ ટ્વિટર પર લખ્યું, ‘મેરિયટ હોટેલ લંડન મેડા વેલેના મેનેજમેન્ટથી આઘાત અને નિરાશ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી તરીકેના મારા તાજેતરના રોકાણ દરમિયાન કોઈ મારા રૂમમાં ઘુસ્યું અને રોકડ, કાર્ડ, ઘડિયાળો અને ઘરેણાં સહિતની મારી બેગની ચોરી કરી.આટલું અસુરક્ષિત.’

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને તેણે અન્ય ટ્વિટમાં લખ્યું, ‘આ મામલાની તપાસ અને ઉકેલની આશા છે. ECBના પસંદગીના હોટેલ પાર્ટનર પર સુરક્ષાનો અભાવ આશ્ચર્યજનક છે. આશા છે કે તેઓ પણ સંજ્ઞાન લેશે. 24 વર્ષીય ખેલાડીની ફરિયાદ પર હોટેલે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા જવાબ આપ્યો અને લખ્યું, ‘તાનિયા, અમને આ સાંભળીને દુઃખ થયું. કૃપા કરીને તમારા નામ અને ઇમેઇલ સરનામા સિવાય તમારી આરક્ષણ વિગતો શેર કરો, જેથી અમે તેને ચકાસી શકીએ.’

તાનિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 અને વનડે ટીમનો ભાગ હતી. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ટી20માં રિચા ઘોષ જ્યારે વનડેમાં યાસ્તિકા ભાટિયાએ વિકેટ પાછળ કમાન સંભાળી હતી. તાનિયાને આગામી 2022 એશિયા કપ માટે ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Niraj Patel