પાંચ દિવસ પહેલાં પુણેથી સુરત આવેલા NRI એ સાતમા માળેથી કૂદકો મારી કર્યો આપઘાત, CCTV આવ્યા સામે

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર આર્થિક તંગી, પ્રેમ સંબંધ, માનસિક તણાવ કે અન્ય કોઇ કારણ હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સીટીલાઈટના આર્જવ એપાર્ટમેન્ટમાં એક NRI યુવકે સાતમા માળેથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ યુવકે પોતાના સગાસંબંધીની સામે જ મોતની છલાંગ લગાવી હતી. એવું સામે આવ્યુ છે કે, મૃતક યુવક 5 દિવસ પહેલા જ પુણેથી સુરત આવ્યો હતો, પણ પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે માનસિક બીમારીના તણાવમાં આવી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યુ છે.

આ ઘટના સંદર્ભે હાલ તો ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક જ્યારે ઘરમાં હતો ત્યારે તેણે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છું, તે બાદ તે ગેલરીમાંથી સાતમા માળેથી કૂદી ગયો. યુવકના પડવાની ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી. તેના માતા-પિતા સાથે પોલીસે પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે, પરિવારજનો દ્વારા તેને ભારત ન જવા માટે કહેતા અને તેમ છતાં તે ભારત આવ્યો હતો. અમેરિકા ખાતે રહેતા 38 વર્ષીય NRI દીપેશભાઈ પંજાબી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ કરતો હતો.

તે ચાર-પાંચ દિવસ પહેલાં જ કાકા બીમાર હોવાથી તેમના ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યો હતો. ત્યારે સોમવારના રોજ તે સિટીલાઈટના આર્જવ ટાવર ખાતે તેમના સંબંધીના ઘરમાં આંટાફેરા મારી રહ્યો હતો અને આ દરમિયાન અચાનક જ તેણે બારીની બહાર નજર કરી અને પછી કહ્યુ કે, “હું અહીંથી કૂદી કહ્યો છું”. તેમ કહી તેણે મોતની છલાંગ લગાવી દીધી. પડતુ મૂત્યા બાદ તેણે બહારના ભાગે પતરાંનો ભાગ પકડી લીધો, જેથી ઘરના સભ્યોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તેનો હાથ છટકી જતાં તે નીચે પટકાયો અને તેનું મોત નીપજ્યું.

પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે તે માનસિક બીમાર હોવાને કારણે તેના લગ્ન પણ નહોતા કરાવવામાં આવ્યા. જેથી માનસિક બીમારીમાં તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, દીપેશની બહેન અને માતા-પિતા અમેરિકામાં રહે છે અને તે પણ ત્યાં જ રહેતો હતો. જો કે, માતા-પિતાએ તેને ભારત જવાની ના કહી હતી અને તે છત્તાં પણ તે આવ્યો. તે પુણેથી સુરત રહેતા સંબંધીના ઘરે આવ્યો અને તે બાદ તેણે આવું પગલુ ભર્યુ.

Shah Jina