સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જેમ પતિએ તેની પત્નીનું ગળુ કાપી કરી નાખી હત્યા, પ્રેમભર્યા સંબંધોનો આવ્યો અંત

ગુજરાતમાંથી હત્યાના કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં થોડા સમયમાં ઘણો વધારો થયો છે. ત્યારે સુરત ગુનાહિત પ્રવૃત્તિમાં અગ્રેસર છે. જયાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતિની એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ સરાજાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખી હતી. તે ઘટનાના પડઘા તો હજુ શમ્યા નથી. જો કે આ કેસમાં કોર્ટે ફેનિલને દોષિત જાહેર કરી દીધો છે. ત્યાં હવે આ કેસની શાહી સૂકાઇ નથી ત્યાં બીજો કેસ સામે આવ્યો છે, જેમાં એક પતિએ તેની જ પત્નીની ગળુ કાપી હત્યા કરી નાખી અને તે બાદ તે ફરાર થઇ ગયો હતો.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના પાટડીના વતની અને છેલ્લા ચાર વર્ષથી સુરતમાં સોરી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા હંસાબેન ઝાલાના લગ્ન 22 વર્ષ પહેલા સુરભાઇ સાથે થયા હતા. તેમને આ લગ્નથી એક દીકરો અને એક દીકરી પણ હતા. તેમનું લગ્નજીવન ખુશી અને સુખીથી ચાલી રહ્યુ હતુ. ત્યારે પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. ત્યારે આને લીધે પત્ની સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી અને અવાર નવાર પતિ તેની પત્નીને મળવા આવતો રહેતો હતો.

જો કે, છેલ્લા વીસેક દિવસથી પતિ દારૂના નશામાં ભાન ભૂલી પત્ની અને દીકરી સાથે ઝઘડતો રહેતો હતો. પહેલા પણ પત્ની સાથે અણબનાવને લઇને તે પત્ની પર જીવલેણ હુમલો કરી ચૂક્યો હતો અને પત્નીને મારવાના ઇરાદા સાથે જ તેણે પત્નીની એકલતાનો લાભ લઇ તેનું ગળુ કાપી હત્યા કરી નાખી હતી. જો કે, તે બંને બાળકો મૂકી ફરાર થઇ ગયો હતો. બાળકો જયારે ઘરે આવ્યા ત્યારે તેમણે તેમની માતાની હત્યા કરેલી લાશ જોઇ અને પછી તે બૂમાબૂમ કરવા લાગ્યા.

જે બાદ પાડોશીઓ દોડી આવ્યા અને પોલિસને પણ આ ઘટનાની જાણ કરી. ઘટનાની જાણ થતા જ પોલિસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે પૂછપરછ કરી હતી. હાલ તો પોલિસે હત્યાનો ગુનો દાખલ કરી પતિની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલના રોજ આરોપી સુરભાઇ ઝાલા પત્નીની હત્યાના ઇરાદે પહોંચ્યો અને તેણે બાળકને પૈસા આપી નાસ્તો લેવા મોકલ્યો. જે બાદ એકલતાનો લાભ લઇ પત્નીનુ ગળુ કાપી હત્યા કરી નાખી.

Shah Jina