રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાઇ સુરતની કિંજલ અને ફેની, સુરતની પાટીદાર યુવતીઓ ધક્કામુકીમ ઘાયલ, જાણો વિગત

યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતી બે છોકરીઓના માતા-પિતા રવિવારે સાંજ પછી તેમના વોર્ડ સાથેનો સંપર્ક તૂટી જતાં સોમવારે સુરત જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. રવિવારના રોજ રોમાનિયાની બોર્ડર પર નાસભાગ જેવી સ્થિતિ મચી ગઇ હતી અને તેમાં બે છોકરીઓમાંથી એક ઘાયલ થઈ હતી. બે છોકરીઓ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ સાથે, રોમાનિયાની સરહદ પર ફસાયેલી હોવાનું માનવામાં આવે છે. માતા-પિતાએ જિલ્લા કલેક્ટરને વિનંતી કરી હતી કે તેઓ તેમની દીકરીઓને શોધે અને સુરક્ષિત રીતે ભારત લાવે. આ બંને છોકરીઓના નામ કિંજલ ચૌહાણ અને ફેની પટેલ છે. બંનેની ઉંમર 18-19 વર્ષની આસપાસ છે. તે બંને રાંદેર વિસ્તારની છે.

લગભગ ત્રણેક મહિના પહેલા જ તેઓ ડોક્ટર બનવાના સપના સાથે યુક્રેન પહોંચી હતી. યુદ્ધ શરૂ થયા બાદ બોર્ડર જતા સમયે ફેનીને પગમાં ઈજા થઈ હતી. કિંજલના પિતા એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે જ્યારે ફેનીના પિતા ખાનગી હોસ્પિટલના એચઆર વિભાગમાં કાર્યરત છે. ફેનીના પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રી ઘાયલ છે અને હવે તેમનો સંપર્ક પણ તૂટી ગયો છે, તેઓ ખૂબ જ ચિંતિત છે અને બીજી બાજુ સરકારને તેમણે વિનંતી કરી કે તમામ બાળકોને વહેલી તકે પાછા લાવવામાં આવે.

આ ઉપરાંત કિંજલના પિતાએ કહ્યું કે, કિંજલ તેમનું એકમાત્ર સંતાન છે અને તે તેજસ્વી વિદ્યાર્થી છે. કિંજલ 17 નવેમ્બર 2021ના રોજ યુક્રેનમાં વિનિત્સિયા ગઈ હતી. તેને નેશનલ પિરોગોવ મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કોર્સમાં એડમિશન મળ્યુ હતુ. શરૂઆતમાં તે કોરોના મહામારીને કારણે ઓનલાઇન અભ્યાસ કરતી અને અન્ય વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં રહેતી હતી. આ દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું, પરંતુ કોલેજે વિદ્યાર્થીઓને કહ્યું કે 15 દિવસમાં ફિઝીકલ ક્લાસ શરૂ થશે જેથી તેઓ દેશ છોડી શકશે નહીં.

તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા હતા. આમ છત્તાં પણ તેઓ જયારે સરહદ પર પહોંચ્યા ત્યારે તે બંધ હતી અને રોમાનિયન સૈનિકોએ તેમને તેમના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી. ત્યારે તેઓને સરહદ પર રહેવાની ફરજ પડી અને આખી રાત ઠંડીમાં રાહ જોવાની ફરજ પડી હતી.જો કે, બોર્ડર ગેટ બે વાર ખોલવામાં આવ્યો અને સૈનિકોએ એક સમયે માત્ર 500 લોકોને જ સરહદ પાર કરવાની મંજૂરી આપી. ત્યારે.

ફેનીના પિતાએ કહ્યુ કે, ફેની અને કિંજલ એકસાથે યુક્રેન ગયા હતા, તેઓ એક કોલેજમાં અભ્યાસ કરતા અને એક જ હોસ્ટેલમાં રહેતા. યુક્રેન પર જયારે રશિયાએ હુમલા કર્યો ત્યારે તેમની પુત્રીએ જાણ કરી કે તેમની હોસ્ટેલથી 20 કિલોમીટર દૂર મિસાઈલ હુમલાની ઘટના બની છે અને તેમને હોસ્ટેલના ભોંયરામાં આશ્રય મળ્યો હતો. જો કે, આખી રાત ત્યાં બોમ્બમારાનો અવાજ સંભળાતો રહ્યો હતો.

Shah Jina