ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોત થવાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર એવું બનતુ હોય છે કે માતા-પિતાની બેદરકારી પણ કોઇ બાળક માટે જીવલેણ બની શકે છે. હાલમાં સુરતમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં ત્રીજા માળે રહેતા એક દંપતિની દીકરી બાલ્કનીમાં રમતા રમતા અચાનક નીચે પટકાઇ અને તેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર હેઠળ ખસેડાતા ત્યાં તેનું મોત નિપજ્યુ હતુ. આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરામાં 5 વર્ષીય બાળકી રમતા રમતા ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ, જેને કારણે તેનું મોત નીપજ્યું. પોતાની બાળકીના મોતના પગલે પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ જવા પામ્યો છે. દીપકકુમાર પ્રસાદ કે જે પાંડેસરા ભગવતી નગર પાસે રહે છે તેમની 5 વર્ષીય દીકરી અપ્રીતિ ઘરની બાલ્કનીમાં રમી રહી હતી અને આ દરમિયાન જ તે અચાનક નીચે પટકાતા ત્યાં દોડધામ મચી જવા પામી હતી. ઉપરથી નીચે પડવાને કારણે તેને માથા તથા કપાળ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી
અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. જો કે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ત્યારે આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને નજરે જોનાર અને સ્થાનિક રહીશે જણાવ્યું કે તેઓ નીચે બેઠા હતા અને આ દરમિયાન જ અચાનક ઉપરથી પાંચ વર્ષીય બાળકી નીચે પટકાઈ. તેને નીચે પડેલી જોતા બધા ગભરાઈ ગયા અને તેની હાલત જોતા તાત્કાલિક 108 મારફતે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. આખી રાત સારવાર ચાલ્યા બાદ તેનું મોત થયાના સમાચાર સામે આવતા બધા હેરાન રહી ગયા હતા અને શોકાતૂર બન્યા હતા.