રાણીપ: ‘તું વાંદરા જેવો લાગે છે, એટલે મને તું પસંદ નથી’ મંગેતરે એવું કહેતાં યુવકે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું
Suicide of youth Chandkheda : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલો સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને તો ઘણા લોકો આર્થિક તંગીના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર પ્રેમ પ્રસંગોમાં અને પોતાના પાર્ટનર દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત લાગી આવતા પણ ઘણા લોકો મોતને વહાલું કરી લેતા હોય છે. ત્યારે હાલ એક એવો જ મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મંગેતરના કડવા વેણ સાંભળીને યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું.
સેન્ટ્રલ જેલમાં સિપાહી હતી યુવતી :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદખેડામાં રહેતા જગદીશ પટેલના દીકરા જીગરની સગાઈ એક અઠવાડિયા પહેલા જ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સિપાહી તરીકે કામ કરતી ફાલ્ગુની ચાવડા સાથે થઇ હતી. સગાઈ બાદ જીગર સમય પસાર કરવા માટે અવાર નવાર ફાલ્ગુનીના ઘરે જતો હતો. બંને પરિવાર વચ્ચેનો સંબંધ સુખેથી ચાલી રહ્યો હતો. ફાલ્ગુની સાબરમતી જેલમાં નોકરી કરતી હોવાના કારણે તે સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વોટર્સમાં રહેતી હતી.

બંને વચ્ચે થયો જોરદાર ઝઘડો :
આ દરમિયાન થોડા સમય પહેલા જ જીગર ફાલ્ગુનીને મળવા માટે તેની સ્ટાફ ક્વોટર્સમાં પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે કોઈ બાબતે જોરદાર ઝઘડો પણ થઇ ગયો હતો. જિગરે આ ઝઘડા વિશેની વાત તેના પરિવારજનોને પણ કરી હતી. જેના બાદ પરિવારને ચિંતા થઇ કે શા કારણે જીગર અને ફાલ્ગુની વચ્ચે ઝઘડો થયો, આ સમયે જીગર પણ ફાલ્ગુનીના ઘરે જ હતો. ત્યારે પરિવારને ચિંતા તથા તે લોકો પણ ફાલ્ગુનીના ઘરે જવા માટે નીકળ્યા.
“તું વાંદરા જેવો લાગે છે” એમ કહીને મહેણાં મારતી યુવતી :
ફાલ્ગુનીના ઘરે જોયું તો તેનો ઘરનો દરવાજો લોક હતો. ત્યારે બાલ્કનીમાંથી પ્રવેશ કરીને જોયું તો જિગરે પોતાનું જીવન જ ટૂંકાવી લીધું હતું. ત્યારે આ મામલે જીગરના પિતાએ રાણીપ પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. યુવકના પિતાએ જણાવ્યું કે ફાલ્ગુની જીગરને સતત મહેણાં મારતી હતી. તે કહેતી કે “તું વાંદરા જેવો છે, તારા હાથ પગ કેટલા નાના છે, તારી હાઈટ તો જો. આવું તો કોઈ હોય, મને તમે બિલકુલ નથી પસંદ. મારા પિતાએ મારી પરાણે સગાઈ કરાવી છે.” આ વાત લાગી આવતા જ જિગરે આપઘાત કર્યો હોવાનું તેના પિતાએ જણાવ્યું.