પોતાની સૂફી ગાયિકી અને ‘બિસ્મિલ કી મહેફિલ’ જેવા મશહૂર કોન્સર્ટ્સથી દુનિયાભરમાં ફેમસ સૂફી સિંગર બિસ્મિલ જયપુરમાં શિફા ખાન સાથે ભવ્ય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયો. આ લગ્ન જયપુરના કૂકસ સ્થિત હોટેલ ફેયરમોન્ટમાં થયા હતા. હલ્દી, મહેંદી, સૂફી નાઇટ અને નિકાહ જેવા પરંપરાગત સમારંભો ભવ્ય રીતે યોજાયા હતા. શિફા ખાન પ્રખ્યાત સંગીતકાર જોડી સાજિદ-વાજિદના પરિવાર સાથે સંબંધિત છે. બિસ્મિલે તેની કન્યા શિફાને ‘ગ્રાઉન્ડેડ, પોઝિટિવ અને અત્યંત વિનમ્ર’ ગણાવી હતી.
તેણે કહ્યું- અમે પારિવારિક સંબંધો દ્વારા મળ્યા હતા અને સમય સાથે અમારું બંધન વધુ મજબૂત બન્યું. અમારા પરિવારોએ તરત જ એકબીજાને સ્વીકારી લીધા અને બધું જ ભાગ્યનો ભાગ હોય તેમ લાગ્યું. લગ્નના સમારોહમાં સૂફી અને પારંપારિક સંગીતનો અનોખો સંગમ જોવા મળ્યો. બિસ્મિલે પોતાના સંગીતથી દરેક ફંક્શનને ખાસ બનાવ્યું હતું. સંગીત પ્રેમીઓ અને પરિવારના સભ્યોએ હલ્દી, મહેંદી જેવા દરેક ફંકશનનો આનંદ માણ્યો હતો.
ખાસ વાત એ હતી કે સંગીત સેરેમનીમાં બિસ્મિલે તેની થવા વાળી પત્ની શિફા માટે એક ખાસ ગીત લખ્યું હતું. તેણે સ્ટેજ પર પરફોર્મ કર્યું, અને તે ગીત સાંભળીને દરેક ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું- આ ગીત શિફા માટે મારા દિલની લાગણીઓનું પ્રતિક છે. હું ઇચ્છતો હતો કે અમારા લગ્ન સંગીતની જેમ હૃદયથી બને. હલ્દી, મહેંદી અને નિકાહ ઉપરાંત, સૂફી નાઇટ અને લગ્ન પછીની પાર્ટીએ લગ્ન સમારોહને યાદગાર બનાવ્યો. દરેક સમારોહમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે બિસ્મિલ અને શિફાની વ્યક્તિગત પસંદગીઓનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓએ આ લગ્નમાં હાજરી આપી હતી. બિસ્મિલ અને શિફાના લગ્ન જયપુરમાં એક ભવ્ય ઉજવણી જેવા હતા, જેમાં માત્ર સંગીત જ નહીં પરંતુ પ્રેમ અને સંબંધોની મીઠાશ પણ જોવા મળી હતી. લગ્ન પછીના પોતાના અનુભવને શેર કરતા બિસ્મિલે કહ્યું- લગ્ન બે આત્માના મિલન કરતાં વધુ છે. આ એક એવો સંબંધ છે જ્યાં એકબીજાને પ્રેમ, વિશ્વાસ અને આદરથી પ્રેરણા મળે છે.
શિફા સાથેની આ નવી શરૂઆત મારા જીવનનું સૌથી ખૂબસુરત યુગલ ગીત છે. જણાવી દઇએ કે, લોકપ્રિય સૂફી ગાયક બિસ્મિલે દિવ્ય પ્રેમ વિશે ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. 5 જાન્યુઆરી 2024ના રોજ બિસ્મિલે ‘ગુલાબી નગર’ જયપુર ખાતે તેની સુંદર કન્યા શિફા ખાન સાથે નિકાહ કર્યા. સિંગરે 6 જાન્યુઆરી 2025ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જે નિકાહની હતી.
સિંગરે ક્રીમ શેરવાની પહેરી હતી, જેના પર સોના અને ચાંદીનું ભરતકામ હતી, જે તેના સરંજામને વધુ અદભૂત બનાવતી હતી. તેણે આ સાથે સમાન રંગની ચૂડીદાર પહેરી હતી. ફૂટવેર માટે, બિસ્મિલે હળવા રંગના જૂતા પસંદ કર્યા હતા, જેના પર સોનેરી પેટર્ન હતી. બિસ્મિલે તેના માથા પર ક્રીમ પાઘડી પહેરી હતી, જેના પર તેણે લીલા અને સફેદ ચમકતા પત્થરોથી બનેલું સોનાનું બ્રોચ પહેર્યું હતું.
બિસ્મિલે તેના નિકાહના આઉટફિટ સાથે હીરા અને નીલમણિથી જડેલ સ્તરવાળી એક્સેસરીઝ કેરી કરી હતી, જેણે વધુ ભવ્યતા ઉમેરી. બિસ્મિલનો આઉટફિટ શિફા ખાનના રેડ લહેંગા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો. શિફા દુલ્હનના લુકમાં ખૂબ જ સુંદર લાગી હતી.