સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મુદ્દે શું બોલ્યા મહામંડલેશ્વર જગદેવબાપુ, કહ્યુ- 2 દિવસ પછી જો નિર્ણય નહીં આવે તો…

2 દિવસ પછી જો નિર્ણય નહીં આવે તો…. : મહામંડલેશ્વર જગદેવબાપુ

Salangpur Controversy: હાલ જો ગુજરાતમાં કોઇ મામલો વધુ ચર્ચામાં હોય તો તે છે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે કણપીઠમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તેમાં ભગવાન સ્વામિનારાયણને હનુમાનજી પ્રણામ કરી રહ્યા છે. એટલે કે સાધુ સંતો અને ઘણા લોકોનું કહેવુ છે કે ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા છે અને આને લઇને હવે વિવાદ ચાલી રહ્યો છે.

ભીંતચિત્રો હટાવવાની માંગ
સાધુ-સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા ભીંતચિત્રો હટાવવાની માંગ પણ કરાઇ છે અને સાળંગપુર, કુંડળ, વડતાલ, પોઈચા અને રાજકોટના સ્વામિનારાયણ મંદિરને નોટિસ પણ રાજકોટના વકીલ દ્વારા મોકલાઇ છે. ત્યારે એવું લાગી રહ્યુ છે કે હવે ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો લડાયક મૂડમાં છે. આ મામલે એકતરફ સનાતની સાધુ-સંતોની પ્રતિક્રિયા આવી રહી છે તો બીજી તરફ સ્વામિનારાયણ સંતોના એક પછી એક નિવેદન સામે આવી રહ્યા છે.

દર્શનવલ્લભ સ્વામીનું વિવાદિત નિવેદન
વડોદરા સ્વામિનારાયણ ગુરુકુળના દર્શનવલ્લભ સ્વામીનું હાલમાં એક વિવાદિત નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. તેમણે કહ્યું કે, તમને કોઈની બીક તો નથીને સાહેબ, ગગનમાં તારા જેટલા શત્રુ એકવાર બની જાય સમૂહ ભેગો થઈ જાય અને કદાચ સર્વાઅવતારી ભગવાન સ્વામિનારાયણની સામે આવી જાય મારો ઇષ્ટદેવ સર્વોપરી છે. કોઈના વચનથી ક્યારેય દબાવું નહી.

સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા કોઈએ કરવા નહીં
આ ઉપરાંત તેઓ આગળ કહે છે કે આપણા ઉદરનો રોટલો આપણા સ્વામિનારાયણ ભગવાન ભરે છે. આપણા ભગવાનને કોઈ બોલે તે સાંખી લેવામાં નહીં આવે. આ તો લોકશાહી છે. તેમણે કહ્યુ- દુનિયા જોઈને ચિલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક-ચાંદલા કરીએ છીએ, તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા કોઈએ કરવા નહીં.

મહામંડલેશ્વર જગદેવબાપુની પ્રતિક્રિયા 
ત્યારે હવે વધતા વિવાદ વચ્ચે બરવાળાના લક્ષ્મણજી મંદિરના મહામંડલેશ્વર જગદેવબાપુની પ્રતિક્રિયા સામે આવી છે. વીટીવી ન્યુઝના રીપોર્ટ અનુસાર જગદેવબાપુએ કહ્યું કે, 2 દિવસમાં મંદિર દ્વારા નિર્ણય લેવાશે એવું જણાવવામાં આવ્યુ છે, આપણે સનાતની છીએ અને આપણે ધીરજ રાખવી જોઈએ. 2 દિવસ પછી જો નિર્ણય નહીં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાશે.

Shah Jina