ગુજરાતમાં ઘણીવાર તેજ રફતાર વાહનોનો કહેર જોવા મળે છે, ત્યારે હાલમાં જ વધુ એક મામલો સામે આવ્યો. અંબાજીના ડ્રાઇવરને અન્ય કારે કચડી નાખતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટના માઉન્ટ આબુના દેલવાડા પાર્કિંગ પાસે બની હતી. તેજ રફતાર આવતી કારે રોડ પર ઊભેલા ડ્રાઇવરને જોરદાર ટક્કર મારી હતી.
જેને લઇને ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યાં હાજર લોકો દ્વારા તેને ગ્લોબલ હોસ્પિટલ ખસેડાયો. જો કે તેની હાલત વધુ ગંભીર બનતાં પાલનપુર રિફર કરાયો હતો. આ ઈજાગ્રસ્ત ડ્રાઈવર ગુજરાતના અંબાજીના કુંભારિયા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાજ દેલવાડા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જણાવી દઇએ કે, પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી હિમવર્ષાથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે.
રાજસ્થાન અને ગુજરાતમાં પણ એની અસર વર્તાઇ રહી છે. યાત્રાધામ અંબાજી નજીક આવેલ રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ખુશનુમા વાતાવરણથી સહેલાણીઓ ખૂબ આનંદ લઈ રહ્યા છે. જો કે સતત બે દિવસથી પડતી તીવ્ર ઠંડીથી બચવા લોકો ગરમ વસ્તુઓ અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. ગત રોજ માઉન્ટ આબુમાં માઈનસ ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. થર્ટીફર્સ્ટ મનાવવા માટે ઘણા ટુરિસ્ટ રાજસ્થાનના મિની કાશ્મીર માઉન્ટ આબુ પહોંચ્યા છે.
(સૌજન્ય : દિવ્ય ભાસ્કર)