ગુજરાત ટાઇટન્સની હાર બાદ કેપ્ટન ગિલે આને ગણાવ્યો જવાબદાર, મેચ બાદ કહી આ વાત
માત્ર 53 બોલમાં હાર બાદ ભડક્યો શુભમન ગિલ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટને કોને ગણાવ્યો વિલન- જાણો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 32મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેના નેટ રન રેટ પર પણ અસર પડી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પછી શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને ટીમ 17.3 ઓવરમાં 89 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ પછી દિલ્હી કેપિટલ્સે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સની કારમી હાર બાદ ટીમનો કેપ્ટન શુભમન ગિલ એકદમ નિરાશ દેખાતો હતો. તેણે ટીમની હાર માટે નબળી બેટિંગને જવાબદાર ગણાવી.
ગિલ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ તેણે આ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું. ટીમના કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહોતા. રાશિદ ખાને 31 રનની ઇનિંગ રમી જે GT માટે સર્વોચ્ચ સ્કોર હતો. તે સિવાય કોઈ બેટ્સમેન 10 રનનો સ્કોર પણ પાર નહોતો કરી શક્યો. મેચ બાદ શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું.
ગુજરાત ટાઈટન્સના નિરાશ કેપ્ટન શુભમન ગિલે હાર માટે પોતાની ખરાબ બેટિંગને જવાબદાર ગણાવી અને કહ્યું કે અમે એવરેજ બેટિંગ કરી. આ મેચ ભૂલીને આગળ વધવું પડશે. પિચ સારી હતી પરંતુ અમારા બેટ્સમેનોના શોટનું ચયન ખરાબ રહ્યુ. વિકેટ ઠીક હતી, પરંતુ જો તમે મારા, સાહા અને સાઈ આઉટ થવાની રીત જોશો તો તેને પિચ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે કહ્યું કે આ નાના સ્કોર પછી અમે ક્યાંય મેચમાં નહોતા, જ્યાં સુધી અમારા બોલરો બે હેટ્રિક ન લેતા, તો જ અમને કોઈ તક મળી શકતી.
જણાવી દઇએ કે GTની આગામી મેચ 21મી એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમવાની છે. આ મેચ પંજાબમાં યોજાશે. જીટી આ સીરીઝમાં અત્યાર સુધી 7 મેચ રમી ચુકી છે અને માત્ર 3 મેચ જ જીતી છે. આવી સ્થિતિમાં અહીંથી હાર તેમના માટે મોંઘી સાબિત થઈ શકે છે. ગિલ અહીંથી મજબૂત પુનરાગમનની આશા રાખશે. GT પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને સરકી ગયું છે. 9 ઓવરની અંદર મેચ પૂરી કરીને નેટ રન રેટમાં ભારે વધારાને કારણે DC છઠ્ઠા સ્થાને પહોંચી ગયુ.