KD હોસ્પિટલમાં દાખલ થયેલા કિંગ ખાનને ક્યારે આપવામાં આવશે રજા ? પત્ની ગૌરી પણ અમદાવાદ આવી ગઈ, જુઓ શાહરુખની હેલ્થ અપડેટ
Shah Rukh Khan Health : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 દિવસથી લાખો લોકોનો મેળવેલો જામ્યો. કારણ કે IPlની ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ અમદાવાદમાં રમાઈ હતી. આ મેચ જોવા માટે સેલેબ્રિટીઓ પણ આવ્યા હતા. ક્વોલિફાયર એકનો મુકાબલો KKR અને SRH વચ્ચે યોજાયો હતો, જેમાં કોલકાત્તાની ટીમે 8 વિકેટે જીત મેળવીને ફાઈનલમાં પોતાની ટિકિટ પાક્કી કરી દીધી.
આ મેચ જોવા માટે કેકેઆરના સહ માલિક શાહરુખ ખાન પણ પોતાના બંને બાળકો સાથે આવી પહોંચ્યો હતો, પરંતુ મેચ ચાલુ થતા પહેલા જ શાહરુખથી અમદાવાદની ગરમી સહન ના થઇ અને તે બીમાર થઇ જતા તેને KD હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા અપવામાં આવી અને શાહરૂખે આખી મેચ પણ જોઈ અને મેચ બાદ મેદાનમાં આવીને દર્શકોનું અભિવાદન પણ કર્યું.
મેચ બાદ શાહરુખ હોટલમાં ગયો હતો અને ત્યાંથી તેને આરામની જરૂર જણાતા મુંબઈ પાછા ફરવાને બદલે તેને હોસ્પિટલમાં જ દાખલ થવાની ફરજ પડી હતી. ત્યારે હજુ પણ કિંગ ખાન અમદાવાદમાં જ છે અને આજે કદાચ તેને હોસ્પિટલમાંથી રજા મળી શકે તેવી સંભાવના પણ છે. હાલ શાહરુખની તબિયત સ્થિર હોવાનું મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે.
શાહરુખને આજે હોસ્પિટલમાંથી તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ રજા આપવામાં આવી શકે છે. શાહરુખને હોસ્પિટલના આઠમા માળે વીઆઈપી રૂમ નંબર 839માં રાખવામાં આવ્યો છે. શાહરુખ ખાનને હાઈ ગ્રેડ ફિવર હોવાનું કહેતા જ તેને હોટલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને વાઇરલ ઇન્ફેક્શન, ફેફસામાં પણ અસર હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
હાલ શાહરુખની તબિયતને લઈને હોસ્પિટલ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર શાહરુખની તબિયત હાલ સ્થિર હોવાનું અને બપોરે 3 વાગે ચાર્ટર પ્લેન દ્વારા તે મુંબઈ જવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે શાહરુખ સાથે તેની પત્ની ગૌરી પણ હાજર છે.