Saukat Sheikh statement boat capsize : વડોદરામાં 18 જાન્યુઆરીના રોજ થયેલી બોટ દુર્ઘટના વિશે સાંભળતા જ લોકોના રૂંવાડા ઉભા થઇ જાય છે. આ ગોઝારી ઘટનામાં 12 બાળકો સાથે 2 શિક્ષકો પણ મોતને ભેટ્યા, ત્યારે હવે મૃતકોની અંતિમ યાત્રા પણ યોજાઈ રહી છે
અને તેમાંથી પણ આંખોને ભીંજવી દે તેવા દૃશ્ય સામે આવી રહ્યા છે. પરિવારનું હૈયાફાટ રુદન જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે, ત્યારે આ બોટ દુર્ઘટનામાં બચી ગયેલી એક દીકરી સુફિયા શૌકતે ઘટનાની રૂંવાડા ઉભા કરી દેનારી હકીકત જણાવી છે.
સુફિયાએ જણાવી હકીકત :
ન્યુ સનરાઈઝ સ્કૂલમાં ભણતી 13 વર્ષીય સુફિયા શૌકત પણ તમામ બાળકો સાથે પીકનીક પર ગઈ હતી, જ્યાં તેની બહેન પણ તેની સાથે હતી. સુફિયાએ જણાવ્યું કે સ્કૂલમાંથી પહેલા અમને વૉટર પાર્ક લઇ ગયા, ત્યાર પછી બોટિંગ કરવા માટે લાવ્યા હતા.
બે રાઉન્ડ બોટિંગ સારી રીતે થયુ, પરંતુ ત્રીજા રાઉન્ડમાં 31 લોકોને જબરદસ્તી બોટમાં બેસાડી દેવામાં આવ્યા હતા. બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવાના કારણે બોટ પલ્ટી મારી ગઈ હતી.
કેપિસિટી કરતા વધારે લોકોને ભર્યા બોટમાં :
તેને આગળ જણાવ્યું કે બોટની અંદર થોડા જ લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. મારી બહેને પણ લાઈફ જેકેટ પહેર્યું હતું, પરંતુ બોટ પલટાઈ જતા તે પણ પાણીમાં પડી અને તેને તરતા ના આવડતું હોય તે મોતને ભેટી હતી, જયારે બોટ પલટાઈ ત્યારે હું શરૂઆતમાં હોશમાં હતી, જેના બાદ હું બેભાન થઇ ગઈ અને મને મારી મિત્રએ બચાવી હતી. મારી બહેનને પાણીમાંથી બહાર કાઢીને ફેંકી દીધી અને કોઈએ મદદ પણ કરી નહોતી.
પોલીસ કરી રહી છે તપાસ :
તમને જણાવી દઈએ કે વડોદરાના હરણી લેક દુર્ઘટના મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 18 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. આ ઘટનાનો મુખ્ય આરોપી કોન્ટ્રાકટર પરેશ શાહ ફરાર થઇ ગયો છે. તેને આ લેકનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો
અને તેને કમિશન લઈને કોન્ટ્રાકટ બીજા વ્યક્તિને આપી દીધો હતો, આ વ્યક્તિએ પણ બોટનો કોન્ટ્રાકટ અન્ય વ્યક્તિને આપી દીધો હોવાનું સામે આવ્યું છે, તો બોટ ચલાવનાર પણ કોઈ પ્રોફેશન નહિ પરંતુ સેવ ઉસળની લારી ચલાવનાર હોવાનું સામે આવ્યું છે.
બરોડાને બોટિંગ સાથે લેણાદેણી જ નથી એવું કહી શકાય. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1993માં બરોડાના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરાતા બોટ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 22 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દુર્ધટનાના પગલે લાંબા સમય સુધી બોટિંગ બંધ રાખવામાં આવી હતી.