કચ્છ: કોરોના મહામારીનો આ કાળો કહેર ખત્મ થઇ જાય તે માટે આવી ગરમીમાં એક સંત કરી રહ્યા છે સાધના

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર આતંક મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક છે અને આ લહેરમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે સમગ્ર દેશ અને દુનિયા કોરોના મુક્ત બને, તે માટે પૂર્વ કચ્છના ભચાઉ નજીક એક સંત દ્વારા આવા તાપમાં અગ્નિ સાધના કરાઈ રહી છે. મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાના કાલાઘુડી પ્રાંતમાંથી કચ્છ ખાતે પધારેલા સંત પંકજમુની, લોક કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે ઉગ્ર તપસ્યા કરી રહ્યાં છે.

તપસ્વી સંતના સેવક કરમરીયા ગામના માજી સરપંચ શંકર પુના છાંગાએ રૂબરૂ મુલાકતમાં જણાવ્યું હતું કે ભચાઉ પાસેના મહાવીર હનુમાનજી મંદિર ખાતે ચાલતી અગ્નિ સાધનાની ખાસ જાહેરાત કરાઈ નથી. તેમ છતાં જો કોઈ ભાવિક દર્શન કરવા આવે છે, તો તેમને સરકારની માર્ગદર્શિકાનું સખ્ત પાલન કરાવાઈ રહ્યું છે. એમ.પી.થી પધારેલા સંત ભારત ભ્રમણ દરમ્યાન વર્ષમાં એક વખત જરૂર તે કચ્છની મુલાકત લે છે.

તપસ્વી સંત માત્ર નારિયળ પાણી આરોગી 42 ડીગ્રી તાપમાનમાં ચોતરફ અગ્નિની જ્વાળાઓ વચ્ચે આસન પર બેસી અગ્નિ સાધના કરી રહ્યાં છે. ભચાઉની પશ્ચિમ દિશાએ આવેલા મહાવીર હનુમાન મંદિર પટાંગણમાં આ તપસ્યા ચાલી રહી છે. સામાન્ય માનવી 10 મિનિટ પણ તડકામાં નથી રહી શકતો. જ્યારે 11 દિવસીય ચાલનારી આ તપસ્યાના ત્રીજા દિવસે આ બાપુનો જુસ્સો અવિશ્વસનીય લાગતો હતો.

મંદિરના સંચાલક અને સેવક આ યજ્ઞવિધિની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે દરરોજ એક ટ્રેક્ટરથી વધુ છાણા આ સાધના દરમ્યાન વપરાય છે. વહેલી સવારથી સાંજ સુધી અગ્નિ પ્રજ્વલિત રહે છે. આ માટે બાપુની નજર રહે છે કે, ક્યાંય આગ બુઝાઈ તો નથીને.

Shah Jina