બાંદ્રા રેલવે સ્ટેશન પર 5 કલાક રોકાયો, પછી ઇયરફોન ખરીદ્યા…સૈફના સંદિગ્ધ હુમલાખોરનો વધુ એક વીડિયો આવ્યો સામે

‘હુમલા બાદ રેલવે સ્ટેશન પહોંચ્યો, પછી મોબાઇલની શોપ પર અને…’ સૈફના સંદિગ્ધ હુમલાખોરનો CCTV VIDEO આવ્યો સામે

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસનો વ્યાપ મુંબઈ પોલીસ સતત વધારી રહી છે. અભિનેતા પર હુમલાના ત્રણ દિવસ પછી પણ આરોપી હજુ ફરાર છે. મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરવા માટે 35 ટીમો બનાવી છે અને અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. જે લોકોએ પોતાના નિવેદનો નોંધાવ્યા છે તેમાં મોટાભાગના પરિચિતો છે, જેમાં સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર અને સ્ટાફનો સમાવેશ થાય છે.

મુંબઈ પોલીસે ઓટો ડ્રાઈવર ભજન સિંહ રાણાની પણ પૂછપરછ કરી, જેણે સૈફ અલી ખાનને સતગુરુ શરણ બિલ્ડીંગની બહારથી ઘાયલ હાલતમાં લીલાવતી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે બનેલી આ ઘટનાના ત્રણ દિવસ પછી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. જેમાં અભિનેતા પર હુમલો કરનાર શંકાસ્પદ જોવા મળે છે, તે એક મોબાઇલની દુકાનમાં ઇયરફોન ખરીદતો જોવા મળે છે.

તેણે બ્લૂ શર્ટ પહેર્યો છે અને પીઠ પર બ્લેક બેગ લટકાવી છે. આ પહેલા મુંબઈ પોલીસે કેટલાક વધુ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ કરીના-સૈફની બિલ્ડિંગની સીડીઓમાં ખુલ્લા પગે ચઢતો જોવા મળે છે. બીજા એક સીસીટીવી ફૂટેજમાં બાંદ્રા રેલ્વે સ્ટેશન નજીક શંકાસ્પદ વ્યક્તિ પીળા શર્ટમાં જોવા મળ્યો હતો. તે સતત પોતાનું સ્થાન બદલી રહ્યો છે.

ઘટનાના એક દિવસ પછી હુમલાખોરના પહેલા સીસીટીવી ફૂટેજમાં તે વાદળી શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે ઘટનાની રાત્રે તેણે કાળી ટી-શર્ટ પહેરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર કદાચ બાંદ્રાથી લોકલ ટ્રેન લઈને મુંબઈના કોઈ અન્ય વિસ્તારમાં ગયો હશે. શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે પોલીસની ઘણી ટીમો શહેરના રેલ્વે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.

Shah Jina