અમદાવાદની હોટલમાં રિદ્ધિમાન સાહાના પુત્રની પહેલી બર્થ ડે અને ટીમ ઈન્ડિયાની જીતનું કરાયુ ડબલ સેલિબ્રેશન
દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 3-1 પોતાને નામે કરી. આ સાથે જ ટીમ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ભારતની જીત અને ક્રિકેટર રિદ્ધિમાન સાહાના દીકરા અન્વયના પ્રથમ બર્થડે પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. જેની તસવીરો હવે સામે આવી રહી છે.

સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝમાં જીત તથા રિદ્ધિમાન સાહાના પુત્ર અન્વયનો જન્મ દિવસ હોવાને કારણે ભારતીય ટીમ દ્વારા હોટલમાં જ ધમાકેદાર ઉજવણી કરવામાં આવી છે. રિદ્ધિમાન સાહા તેની પત્ની રોમી મિત્રાએ સ્પેશિયલ ચોકલેટ કેક બનાવડાવી હતી. ટીમના તમામ મેમ્બરે ભેગા મળી બર્થ ડેની ઉજવણી કરી હતી. ભારતીય ટીમના સેલિબ્રેશન માટે હોટલ દ્વારા જ કેક તૈયાર કરાવાઇ હતી.

આ સેલિબ્રેશન હોટેલના રિસેપ્સન એરીયામાં કરવામાં આવ્યું હતું. સાથે આ સેલિબ્રેશન દરમિયાન તમામ લોકોએ સાથે જ ડીનર કર્યું હતું. સાથે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

અમદાવાદમાં હવે પાંચ ટી-20 સીરિઝનું 12 માર્ચથી આયોજન થવા જઇ રહ્યું છે. ટી-20 સીરિઝને કારણે ટીમ ઇન્ડિયા આતુરતાથી રાહ જોઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, ભારત સામેની ટી-20 સીરીઝ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના 8 ખેલાડીઓ અમદાવાદ અઠવાડિયા પહેલા પહોંચ્યા હતા. તેમાં જેસન રોય, સેમ બિલિંગ્સ, સેમ કરન, ટોમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, રિસી ટોપલે અને જેક બોલનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ પણ અમદાવાદની હયાત રેજન્સી હોટલમાં જ રોકાયા છે.