Rupali Ganguly visited Ambaji : બોલીવુડના કલાકારો સાથે સાથે ટીવી જગતના કલાકારો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને તેમનું પણ ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. ત્યારે ધારાવાહિક “અનુપમા”એ તો આજે દેશના દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. આ ધારાવાહિકમાં અનુપમાનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ ખુબ જ લોકપ્રિય ચહેરો બની ગયો છે અને સોશિયલ મીડિયામાં રુપાલીના લાખો ફોલોઅર્સ પણ છે. ત્યારે રુપાલીના અંગત જીવન પર પણ ચાહકોની નજર રહેલી હોય છે.
અંબાજી મંદિરમાં રુપાલીએ દર્શન કર્યા :
ત્યારે હાલમાં જ રુપાલીએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાંથી એક એવા શક્તિ, ભક્તિ અને અસ્થાના કેન્દ્ર એવા અંબાજી ધામમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજીનું મંદિર દેશ વિદેશમાં ખુબ જ વિખ્યાત છે અને દેશ વિદેશથી ભાવિક ભક્તો મા અંબાના દર્શન કરવા માટે પણ આવતા હોય છે, ત્યારે નેતાઓથી લઈને અભિનેતાઓ માટે પણ આ મંદિર આસ્થાનું ખાસ કેન્દ્ર છે અને અહીંયા વર્ષ દરમિયાન હજારો VIP લોકો પણ દર્શન કરવા માટે આવતા હોય છે.
માથું ટેકવીને લીધા આશીર્વાદ :
ત્યારે રૂપાલી ગાંગુલીએ પણ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ રુપાલીએ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર દ્વારા પણ રૂપાલીનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. રુપાલીએ માતાજીના મંદિરમાં માથું ટેકવીને આશીર્વાદ પણ લીધા હતા. ત્યારે મંદિર દ્વારા રુપાલીને ચૂંદડી પણ ઓઢાવવામાં આવી હતી. આ દરમિયાન રુપાલીએ મંદિરના ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા પણ કરી હતી.
ભટ્ટજી મહારાજ પાસે બંધાવ્યું રક્ષા કવચ :
રુપાલીએ અંબાજી મંદિરમાં ગણેશ મંદિર, ભૈરવજી મન્દીર અને બહુચર માતાજીના દર્શનનો પણ લ્હાવો લીધો હતો. આ ઉપરાંત રુપાલીએ પવિત્ર શ્રાવણ માસ હોય મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવમાં જઈને ખાસ પૂજા અર્ચના પણ કરી હતી. તેને ભગવાન શિવનો જળાભિષેક અને બિલ્લી પત્ર પણ અર્પણ કર્યા હતા. જેના બાદ તેને માતાજીની ગાડી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ લીધા હતા અને પોતાના હાથ પર રક્ષા કવચ પણ બંધાવ્યું હતું.
મંદિરોમાં આવેલા ભક્તોને મળ્યો સેલ્ફી લેવાનો મોકો :
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં રુપાલીને જોઈને ચાહકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત મંદિરમાં આવેલા દર્શનાર્થીઓ અને રુપાલીના ચાહકોએ રૂપાલી સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. અંબાજી મંદિરમાં દર્શન કર્યા દરમિયાન રુપાલીના ચહેરા પરની ખુશી પણ સ્પષ્ટ જોવા મળી રહી હતી. મંદિરમાં દર્શન અને પૂજા દરમિયાન રૂપાલી ભક્તિભાવમાં ડૂબેલી પણ જોવા મળી હતી.