માતાને આપેલા વચનને ખાતર આ દીકરાએ કરી એવી મહેનત કે આજે IPLના કારણે બની ગયો કરોડપતિ, જુઓ

દેશભરમાં હાલ IPLનો માહોલ ચાલી રહ્યો છે, પ્લેઓફમાં પહોંચવા માટે  દરેક ટીમ મેદાનમાં પરસેવો વહાવી રહી છે, ત્યારે આ IPLમાં ઘણા એવા ખેલાડીઓની કહાનીઓ પણ સામે આવી રહી છે જે આંખોમાં આંસુઓ લાવી દે. IPLમાં ઘણા યુવા ક્રિકેટરોને પોતાની આવડત સિદ્ધ કરવાનો મોકો મળ્યો છે અને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી દર્શકોના દિલ પણ જીતી લીધા છે.

ત્યારે આજે અમે તમને એવા જ એક ખેલાડીની કહાની સંભળાવીશું જેને વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈયાન બિશપ દ્વારા જણાવવામાં આવી છે. આ કહાની છે દિલ્હીની ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રોવમેન પોવેલની. જે કોલકાત્તા સામેની મેચમાં જીતનો હીરો રહ્યો અને દિલ્હીને જીત અપાવવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ESPN ક્રિકઇન્ફો સાથે વાત કરતા વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ઝડપી બોલર ઈયાન બિશપે કહ્યું કે, “જો કોઈની પાસે 10 મિનિટ બાકી હોય, તો જાઓ અને રોવમેન પોવેલની જીવનકથા જુઓ – YouTube પર એક વીડિયો. તમે જોશો કે મારા સહિત ઘણા લોકો શા માટે ખુશ છે કે આ ખેલાડીએ આઈપીએલનો સ્વાદ ચાખ્યો છે.”

તેમને આગળ એમ પણ જણવ્યું કે, “તે ધીમી શરૂઆતથી આવ્યો છે. જ્યારે તે માધ્યમિક શાળામાં ભણતો હતો ત્યારે તેણે તેની માતાને વચન આપ્યું હતું કે તે તેમને ગરીબીમાંથી બહાર કાઢશે. તે આવું કરવા માટે તેના સપનાને જીવી રહ્યો છે. અદ્ભુત વાર્તા.”

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એમ પણ કહ્યું કે પોવેલમાં ઘણો સુધારો થયો છે જે દર્શાવે છે કે તેનો સ્વભાવ શાનદાર છે. બિશપે કહ્યું કે, “ગત ફેબ્રુઆરીમાં ભારતમાં સમાન સ્પિનરો સાથે ભારત સામે તેની સરેરાશ 47.5 હતી. તેણે ઘણું બધું સુધાર્યું છે, તે સીમ સામે ખૂબ જ સારો છે, અને ઉત્તમ સ્વભાવ દર્શાવે છે.”

23 જુલાઈ 1993ના રોજ જન્મેલા, પોવેલ તેની માતા અને નાની બહેન સાથે રહે છે અને તેણે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જો કે, કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) દરમિયાન બેટ સાથેના તેના પ્રદર્શનને કારણે તેને રાષ્ટ્રીય સ્તરે બોલાવવામાં આવ્યો અને તેના પ્રદર્શનના આધારે તેને દિલ્હીની ટીમે મેગા ઓક્શનમાં ખરીદ્યો. પોવેલના T20 આંકડાઓ વિશે વાત કરીએ તો, જમણા હાથના બેટ્સમેને 39 મેચ રમી છે અને 24.76ની સરેરાશથી કુલ 619 રન બનાવ્યા છે. તેણે ટી20 ફોર્મેટમાં ત્રણ અર્ધસદી અને એક સદી પણ ફટકારી છે.

Niraj Patel