ધારાસભ્ય રીવાબા જાડેજાએ “બિપરજોય” વાવાઝોડાને લઈને 10,000 ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા, નીચાણવાળા વિસ્તારની લીધી મુલાકાત, લોકોએ પણ કર્યા તેમના કામના વખાણ
Rivaba prepared 10,000 food packets : ગુજરાત માથે હાલ એક સંકટ ઝઝૂમી રહ્યું છે અને આ સંકટનું નામ છે “બિપરજોય”, જે એક વાવાઝોડું છે જેને લઈને સૌકોઈ ચિંતામાં છે. ત્યારે પ્રસાશન દ્વારા પણ આ વાવાઝોડાનો સામનો કરવાની તડામાર તૈયારીઓ થઇ ચુકી છે. લોકોને પણ આ વાવાઝોડામાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ વાવાઝોડાની મોટી અસર દરિયા કિનારાના વિસ્તારમાં વધારે જોવા મળવાની છે. ત્યારે ત્યાં પણ સાવચેતીના ભાગ રૂપે એનડીઆરએફની ટીમને ફરજ પર રાખવામાં આવી છે. ત્યારે દરેક વ્યક્તિ આ વાવાઝોડાનો સામનો કરવા માટે પણ તૈયાર થઈને બેઠા છે. પરંતુ હાલ જામનગરના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબાએ તો માનવતા મહેકાવી છે.
રીવાબાએ તેમના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમને આ વાવાઝોડામાં પણ સેવાકીય કાર્ય કરવાની એક અનોખી પહેલ શરૂ કરેલી જોવા મળી રહ્યું છે. તેમને આ વાવાઝોડામાં 10,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા છે, જેથી ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કોઈને પણ અન્ન કે જળ વિના ના રહેવું પડે.”
તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે રિવાબા પોતે ઉભા રહીને આ ફૂડ પેકેટ તૈયાર કરાવી રહ્યા છે. કારણ કે વાવાઝોડાના કારણે ઘરમાંથી નીકળવું મુશ્કેલ બનશે ત્યારે લોકોને ખાવા પીવાની સુવિધા મળી રહે એ માટે આ ફૂડ પેકેટ કામ લાગી શકે છે. હવે લોકો પણ રીવાબાના આ કાર્યના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
આ તસવીરો પોસ્ટ કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આપેલી સેવાની સંસ્કૃતિ પ્રમાણે હું અને મારી ટીમ દિવસરાત કાર્યરત છીએ. 10 હજારથી વધારે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવી રહી છું, જેથી ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કોઈને પણ અન્ન કે જળ વિના ના રહેવું પડે.”
આ પહેલા રિવાબા જાડેજાએ વિધાનસભા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી અને તમામ લોકોને વાવાઝોડા અંગે સાવચેત રહેવા સૂચના આપી હતી. રિવાબા જાડેજાની સાથે પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમ પણ હાજર રહી હતી.