એક ક્રિકેટરે કરી અધધધ કરોડની છેતરપિંડી, ઋષભ પંતને લાગ્યો 1.6 કરોડનો ચૂનો, જાણો સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પંતે હરિયાણાના ક્રિકેટર મૃણાક સિંહ વિરુદ્ધ 1.6 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. મૃણાક સિંહે ઋષભ પંતને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો અપાવવાની લાલચ આપીને છેતર્યો છે. મૃણાક પહેલાથી જ એક બિઝનેસમેન સાથે 6 લાખની છેતરપિંડી કરવાના કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

ઋષભ પંતના મેનેજર પુનીત સોલંકીના જણાવ્યા અનુસાર, મૃણાકે તેની સાથે બાઉન્સ થયેલા ચેક દ્વારા છેતરપિંડી કરી હતી. મિડ-ડેના અહેવાલ મુજબ, પંતે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “જાન્યુઆરી 2021માં મૃણાકે મને અને મેનેજર સોલંકીને કહ્યું હતું કે તેણે લક્ઝરી ઘડિયાળો, બેગ, જ્વેલરી વગેરેનો બિઝનેસ શરૂ કર્યો છે. તેણે ઘણા ક્રિકેટરોને તેના ગ્રાહક તરીકે પણ ઓળખાવ્યા હતા.

તેણે પંત અને મેનેજરને ખોટા વચનો આપ્યા કે તે તેમને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો અને અન્ય વસ્તુઓ મેળવી શકશે. આરોપીની વાત પર વિશ્વાસ કરીને, પંતે તેને ફેબ્રુઆરી 2021માં એક લક્ઝરી ઘડિયાળ અને કેટલાક ઘરેણાં ફરીથી વેચાણ માટે આપ્યા હતા, જે તેના દ્વારા 65 લાખ 70 હજાર 731 રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. તે પણ હજુ સુધી આરોપીઓએ પરત કર્યા નથી.”

મેની શરૂઆતમાં મૃણાકની જુહુ પોલીસે રૂ. 6 લાખની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. ઋષભ પંત આ ખેલાડી પાસેથી ફ્રેન્ક મુલર વેનગાર્ડ યાચિંગ સિરીઝની ઘડિયાળ ખરીદવા માંગતો હતો, જેના માટે તેણે રૂ. 36.15 લાખ ચૂકવ્યા હતા, તેમજ રિચર્ડ મિલેની ઘડિયાળ માટે સાડા 62 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

IPL 2022માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. પંતની કેપ્ટનશીપવાળી ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. દિલ્હીએ 14માંથી 7 મેચ જીતી હતી. પંતની ટીમ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે. છેલ્લી મેચમાં પંતના કેટલાક ખોટા નિર્ણયે તેને પ્લેઓફમાં જતા અટકાવ્યો હતો. પંતને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ આ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

Niraj Patel