ગુજરાતના ક્ષત્રિય સમાજના પીઠ અગ્રણી તથા માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે રીબડા ખાતે નિધન થયુ હતુ. તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. મહિપતસિંહ જાડેજાના નિધનથી ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઇને આવ્યા હતા અને તેઓ ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.
તેઓ રીબડા ગામનું ઘણુ ચર્ચિત નામ હતા. તેમનું જીવતે જગતિયુ પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારે હવે તેમના નિધનથી ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી છવાઈ છે. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેમણે ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી અને તેના તેઓ પ્રમુખ પણ બન્યા. ક્ષત્રિયોમાં વર્ચસ્વની લડાઈ માટે રીબડા હંમેશા ચર્ચાતું રહ્યું અને ગોંડલનું અતિચર્ચાસ્પદ નામ એટલે મહિપતસિંહ ભાવુબા જાડેજા.
જણાવી દઇએ કે, વર્ષ 1952માં ગરાસદારી ચળવળ અંતર્ગત તેમની ધરપકડ થઈ હતી. એક ઘા અને બે કટકાનો મિજાજ ધરાવતા મહિપતસિંહને એ સંદર્ભે 1957માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયા હતા. સરકાર દ્વારા ફરી 1963માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પણ હાઇકોર્ટે માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા હતા.
મહિપતસિંહે તેમનો 83મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે પોતાના મરસિયા સાંભળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. જણાવી દઇએ કે, કોઇ માણસ નિધન પહેલા મરસિયા સાંભળી ન શકે પણ મહિપતસિંહે કહ્યુ હતુ કે, તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેમની મરસિયા સાંભવાની ઇચ્છા છે.