RBIએ નવા વર્ષે આપી ગિફ્ટ…નહિ વધે તમારી EMI, પાંચમી વાર રેપોરેટ સ્થિર

સતત પાંચમીવાર રેપો રેટમાં કોઇ બદલાવ નહિ, નહિ વધે હોમ લોન EMI, 6.5% પર બરકરાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત પાંચમી વખત રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે, આપણો પાયો મજબૂત છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના MPCએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.

એકવાર રેપો રેટ 6.5 ટકા પર યથાવત

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા આની જાહેરાત કરી હતી. 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ બેઠકમાં, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સતત પાંચમી વખત ચિહ્નિત કરે છે જ્યારે વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ પણ 6.25 ટકા પર સ્થિર છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેન્ક રેટ પણ 6.75 ટકા પર સ્થિર છે.

છેલ્લે ફેબ્રુઆરી 2023માં કર્યો હતો રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો

આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી સતત છ વખત રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટ અથવા 2.5 ટકાનો વધારો કર્યો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ અગાઉના 6.5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.

આ સિવાય આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. એમપીસીમાં લેવાયેલા નિર્ણયોનું વર્ણન કરતી વખતે ગવર્નરે કહ્યું કે કેન્દ્ર સરકારે આરબીઆઈને સીપીઆઈ ફુગાવાને બંને તરફથી 2 ટકાના માર્જિન સાથે 4 ટકા પર રાખવાનો આદેશ આપ્યો છે.

Shah Jina