મિત્રો શ્રાવણ માસ પૂરો થઈ ગયો છે ત્યારે કઈક તીખું ખાવા ની હવે ઈચ્છા થતી હશે. કઈંક ખાટુ, તીખું, ચટપટું હોય તો લાગે કે હવે એકટાણા પૂરા થયા. તો ઘરે પણ હવે નવી-નવી વાનગી બનશે. ક્યારેક ઇડલી, તો ક્યારેક ઢોસા, તો ક્યારેક મેનદુ વડા, તો ક્યારેક ઢોકળા બનશે. પણ આની સાથે જો સાંભર ના હોય તો મજા ના આવે. આ સાંભર પણ કેવો, સ્વાદિષ્ટ, ચટપટો, તીખો, ખાટો, અને મજેદાર હોવો જોઈએ. જેને ખાવા થી મન થાય કે હાથ પણ ચાટતા રહીએ. તો મિત્રો નોંધી લો આ મસ્ત મજેદાર સાંભર ની વાનગી.
સાંભર બનાવવા માટે ની સામગ્રી
- અળદ ની દાળ – 1 નાની વાટકી
- રાઈ – 1 નાની ચમચી
- લાલ મરચું – 1 નાની ચમચી
- આંબલી – ½ નાની વાટકી
- હળદર – ½ નાની ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- કોથમીર – 1.2 નાની વાટકી
- દૂધી – 1 નાની વાટકી
- રીંગણાં – 1 નાનું
- કોબી – 1 નાની વાટકી
- ભીંડો – 3 થી 4
- કડી ના પાન – 15 થી 20
- સુકવેલું લાલ મરચું – 2
- ડુંગળી – 1 ઝીણી સમારેલી
- લીલા મરચાં – 2 ઝીણા સમારેલા
- સાંભર મસાલો – 3 નાની ચમચી
સાંભર બનાવવા માટે ની રીત
• સૌ પ્રથમ દાળ ને સાફ કરી, ધોઈ ને અડધી કલાક પહેલા પાણી માં પલાળી દો, જેથી કરી ને દાળ નરમ થઈ જાય.
• હવે બધી શાકભાજી ને એક ઈંચ જેટલા માપ માં સમારી લો. પરંતુ જો તમારી પાસે ઉપર જણાવેલ શાકભાજી નથી તો બીજી કોઈ પણ શાકભાજી નો તમે ઉપયોગ કરી શકો છો.
• હવે દાળ અને બધી શાકભાજી ને કુકર માં નાખી દો. પાણી નું પ્રમાણ દાળ અને શાકભાજી થી ડબલ હોવું જોઈએ. કુકર ને બંધ કરી દો અને ગેસ ને ફાસ્ટ કરી 1 સિટી કરી લો. ત્યાર બાદ ગેસ ને મધ્યમ તાપે કરી નાખો. અને હવે 3 થી
4 સીટી કરો. ગેસ બંધ કરી દો, અને કુકર માથી વરાળ નીકળી જાય પછી તેમાં ચમચા થી બધી શાકભાજી ને મિક્સ કરી નાખો.
• હવે એક મોટા વાસણ માં પાણી નાખી તેને ગરમ કરી લો અને પછી તેમાં આંબલી નાખી પલળવા દો.
• હવે એક બીજું જાડું વાસણ અથવા નોન સ્ટીક નું વાસણ લો, તેમાં 2 નાની ચમચી તેલ નાખો અને ગેસ પર ગરમ કરવા માટે મુકી દો. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં પહેલા રાઈ નાખો અને તેને તળો. ત્યાર બાદ તેમાં કડી ના પાન, સુકવેલું લાલ મરચું, હળદર નાખો અને તેને થોડી વાર તળી લો. હવે પછી તેમાં ડુંગળી, લીલા મરચાં, મીઠું, સંભાર નો મસાલો નાખી તેને ભૂરા રંગ જેવુ થાય ત્યાં સુધી તળી લો.
• હવે કુકર માં તૈયાર કરેલ મિશ્રણ ને નાખી દો. ત્યાર બાદ આંબલી ના પાણી ને ગરણી માં ગળી લઈ તેને પણ આમાં નાખી દો. જો તમે સાંભર માં ખટાશ ઓછી લગતી હોય તો ફરી થી આંબલી માં પાણી નાખો અને ગરમ કરો, ગરણી માં ગાળો પછી મિશ્રણ માં નાખી દો.
• આ સાંભર બનાવતા જો તમને હજી પણ સાંભર જાડું લાગતું હોય તો તેમાં બીજું પાણી નાખો. હવે સાંભર ને ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી તે ખૂબ ઉકળવા ના લાગે. જ્યારે સાંભર બરાબર ઉકળવા લાગે ત્યાર પછી 3 થી 4 મિનિટ સુધી ચડવા દો.
• સાંભર બની ને તૈયાર છે હવે તેના પર કોથમીર નાખી તેને સજાવી લો અને પછી પીરસો.
નોંધ
આ સાંભર ને જો તમે વધુ ટેસ્ટી બનાવવા ઇચ્છતા હો તો તમે વેજીટેબલ સાંભર પણ બનાવી શકો છો. તે માટે ગાજર, બટેટા, રીંગણાં, ટમેટા, સરસો, તુવેર દાળ, વગેરે નો ઉપયોગ કરી શકો છો.
હવે પહેલા બધી સબ્જી ને ધોઈ દાળ ની સાથે તેને કુકર માં બાફી લો. સબ્જી બફાય ગયા પછી તેલ ગરમ કરી તેમાં પણ ઉપર જણાવેલ વઘાર કરી ને દાળ અને સબ્જી ને વઘાર માં નાખી દો, અને ઊકળે ત્યાં સુધી ચડવા દો. જો સાંભર જાડું લાગે તો તેમાં બીજું વધારા નું પાણી નાખી તેને ઉકળવા દો. આમ તમારું ટેસ્ટી, ચટપટું, મજેદાર સાંભર તૈયાર છે અને હવે તમે તેને કોથમીર થી સજાવી ગરમા ગરમ પીરસો.
તો મિત્રો નોંધી લીધી આ મસ્ત વાનગી ને અને હવે બનાવો ઘરે જ આ સાંભર અને ખાઈ ને તેનો આનંદ માણો.
રેસીપી : માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ