“રામાયણ” એક એવી ધારાવાહિક જેને ઘણા બધા કીર્તિમાનો પોતાના નામે કર્યા. દર્શકો વચ્ચે પણ એક અનેરો ઉત્સાહ જગાવ્યો અને એક સમય એવો પણ હતો જયારે ટીવી ઉપર રામાયણનું પ્રસારણ થયા ત્યારે લોકોના ટોળે ટોળા ટીવી સામે ગોઠવાઈ હતા. રામાયણમાં પાત્રો પણ દર્શકોને આકર્ષવા લાગ્યા, રામના પાત્રને આદર્શ તરીકે માનવા લાગ્યા તો લંકેશના પાત્રમાં સાક્ષાત રાવણ પણ દર્શકોને જોવા મળ્યા. ત્યારે રાવણનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ આજે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.
દૂરદર્શન પર “રામાયણ” જોઈ ચૂકેલા મોટાભાગના લોકોને ખ્યાલ નહી હોય કે, રામાયણ બનાવવામાં કેટકેટલી તકલીફો ઊભી થઈ હતી! રામાનંદ સાગરની ‘રામાયણ’ ધારાવાહિક પુન:પ્રસારિત કરીને બધી ચેનલોને પછાડીને ટોપ પર આવેલ દૂરદર્શન પર રામાયણ પ્રસારિત કરવામાં ડાયરેક્ટર રામાનંદ સાગરને સરકારી દફ્તરોના કેવા ધક્કા ખાવા પડેલા એ પણ રસપ્રદ છે.
વડાપ્રધાન રાજીવ ગાંધીએ ‘રામાયણ’નું નામ લીધું:
એ વખતે ટેવિલિઝનનો ક્રેઝ ભારતના લોકોમાં નવોસવો હતો. સરકારી ચેનલ દૂરદર્શન પર એવા કોઈ ખાસ કાર્યક્રમો આવતા નહી કે જેમાં સામાન્ય જનતાને રસ પડે. ડાહ્યા માણસોની સલાહો માનીને રાજીવ ગાંધીએ ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં પૌરાણિક કથાનકોની સીરિયલો બનાવીને પ્રસારિત કરવા કહ્યું. ડાયરેક્ટર રામાનંદ સાગરે ‘રામાયણ’ બનાવવાનું બીડું ઝડપ્યું.
રામાયણ વગર અન્નજળ હરામ છે!:
એ વખતે સૂચના અને પ્રસારણ મંત્રી વી.એન.ગાડગિલ હતા. આ મંત્રાલયના સચિવ એસ.એસ.ગિલ હતા. દૂરદર્શનને તેમણે પ્રધાનમંત્રીની વાત જણાવી. રામાનંદ સાગરને રામાયણના ચાર પાયલોટ એપિસોડ બનાવીને મોકલવા જણાવ્યું. એપિસોડ બનીને આવી ગયા પણ એના પર કોઈ ફેસલો ના થયો કે સીરિયલ પ્રસારીત કરવી કે નહી! વાત આમથી તેમ ફંગોળાતી રહી!
પછી બન્યું એવું કે સૂચના અને પ્રસારણ સચિવ એસ.એસ.ગિલ રામાયણના ચાર એપિસોડમાંથી એક ઘરે લઈને આવ્યા. ગિલ ઉચ્ચ દરજ્જાના ઓફિસર હતા. તેમણે રામાયણનો એ એપિસોડ પોતાની વૃદ્ધ માતાને દેખાડ્યો. તેઓ જોઈને ભાવવિભોર બની ગયા અને ગિલને પૂછવા માંડ્યા કે, રામાયણ ક્યારથી દેખાડવાની છે?
ગિલે માતાને રામાયણનાં પ્રસારણ અંગે ચાલતી અવઢવ જણાવી અને કહ્યું કે નક્કી નથી. પરંતુ તેમના આશ્વર્ય વચ્ચે બીજે જ દિવસે તેમની માતાએ જણાવી દીધું કે, જ્યાં સુધી રામાયણ દેખાડવામાં ન આવે ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે! તું ગમે તે કર, બાકી રામાયણ દેખાડ! ગિલ મૂંઝાયા.
આખરે રામાયણને મંજૂરી મળી:
એ પછી સૂચના-પ્રસારણ મંત્રી બદલી ગયા. અનેક અધિકારીઓની બદલીઓ થઈ. ગિલ માટે આ વખત હતો. તેમણે રામાનંદ સાગરને રામાયણ દેખાડવાની મંજૂરી આપતો આધિકારિક પત્ર લખી દીધો. રામાનંદ સાગર દિલ્હી આવીને લઈ ગયા. પછી આ પત્ર દૂરદર્શનની હેડ ઓફિસ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો ઘણી બબાલો થઈ ગઈ. પણ હવે કોઈથી કશું થાય તેમ નહોતું!
આખરે ૨૫ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ સવારના નવ વાગ્યે રામાયણનો પ્રથમ એપિસોડ પ્રસારિત થયો. લાખો ભારતીયોની આંખોમાં કાયમ માટે વસી પણ ગયો! આ પછી પણ અનેક મુશ્કેલીઓ આવી. પણ રામાયણ ૭૮ અઠવાડિયા સુધી ચાલતી જ રહી.