રાજકોટ: વધુ એક વ્યક્તિએ રખડતાં ઢોરના આતંકને કારણે ગુમાવ્યો જીવ, સતત 3 મિનિટ સુધી વૃદ્ધને ગાયે રગદોળ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. અનેકવાર રખડતા ઢોરના અડફેટે કોઇ વ્યક્તિ ઘાયલ થાય છે, તો કોઇનું મોત થતુ હોય છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં રાજકોટમાંથી રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રખડતા ઢોરના અજાણ્યા માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગત 8 નવેમ્બરના રોજ સવારે 7.45 વાગ્યા આસપાસ રાજકોટના ગોપાલ ચોક નજીક સ્કાય કિડ્સ સ્કૂલની સામે રસિકલાલ નામના વૃદ્ધ ચાલીને જઇ રહ્યા હતા ત્યારે એક ગાયે અચાનક રસિકલાલને ઢીંકે ચડાવ્યા અને બાનમાં લઇ તેમને જમીન પર પટક્યા. ગાયે શીંગડાં અને પગ વડે રસિકલાલને 3 મિનિટ સુધી સતત રગદોળ્યા. જેને કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

આ ઘટનાને લઈ રસિકલાલના પુત્રએ ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના પુત્રએ જણાવ્યું કે જો કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરી મ્યુનિ. કમિશનર ઓફિસે બેસી જઈશ. પોલીસે ગાયના માલિક વિરુદ્ધ IPC કલમ 289 તથા જી.પી. એક્ટની કલમ 90 (એ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં રખડતા પશુઓને કારણે પહેલા પણ અનેક જીવલેણ અકસ્માતો થયા છે. ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મોતના કિસ્સા પણ બન્યા છે.

ત્યારે રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલા મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો. રસિકલાલ જૂના માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા હતા. તેમના મોતથી ઠકરાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને પગલે સાધુવાસવાણી રોડ વિસ્તારની સોસાયટીના લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.

Shah Jina